વડોદરા: OLX પર કાર વેચાણ મૂકનાર આણંદના વેપારી સાથે ઠગાઈ
વડોદરા,તા.22 જુલાઈ 2022,શુક્રવાર
ઓ.એલ.એક્સ. પર કાર વેચાણ અર્થે મુકનાર આણંદનો વેપારી છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યો ભેજાબાજ કાર ખરીદવાના બહાને વડોદરા સુધીનો ટેસ્ટ ડ્રાઈવ લઈ કાર માલિકને હોટલમાં જમવા બેસાડી રફુચક્કર થઈ જતા છેતરપિંડી અંગેનો બનાવ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાયો છે.
ઓ.એલ.એક્સ. પર ચીજ વસ્તુઓના ખરીદ વેચાણમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વાહનો વેચાણ અર્થે મુકનાર અનેક લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આ અંગેની વિગત એવી છે કે, દિલપેશભાઈ ભાટીયા ( રહે - ગણેશ કૃપા , આણંદ )એ પિતાના નામે રજીસ્ટર રૂ. 4.10 લાખની કિંમત ધરાવતી ઇકો કાર ઓ.એલ.એક્સ. પર વેચાણ અર્થે મૂકી હતી. દરમિયાન કાર ખરીદવાની ઈચ્છા ધરાવનાર અજાણ્યા ભેજાબાજે પોતાની ઓળખ રાજસ્થાનના શંકરભાઈ તરીકેની આપી હતી. અને જણાવ્યું હતું કે, કાર વડોદરા સુધી ચલાવીને ચેક કરું ત્યારબાદ ટોકન આપી દઈશ. જેથી દીલ્પેશભાઈ મિત્ર અને શંકરભાઈ સાથે કારમાં વડોદરા તરફ નીકળ્યા હતા. કાર વડોદરા રેલવે સ્ટેશન પાર્કિંગ એરિયામાં પાર્ક કરી હતી. અને કારના દરવાજાના લોક ચેક કરવાના બહાને શંકરભાઈએ ગાડીની ચાવી વાતોમાં ભેરવી પોતાની પાસે રાખી દીધી હતી. અને નજીકમાં આવેલા એટીએમ માંથી 9 હજાર રોકડા અને 16 હજારનો ચેક ટોકન પેટે આપ્યો હતો. દરમિયાન શંકરભાઈએ આગ્રહ કરતાં હોટેલમાં જમવા બેઠા હતા. જમતી સમયે શંકરભાઈ એસિડિટીનું બહાનું કાઢી કાર સાથે રવાના થઈ ગયો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.