વડોદરાના સિનિયર સિટિઝનને FB પર ફ્રેન્ડ બનાવી હર્બલ પ્રોડક્ટ મંગાવવાના નામે 94 લાખ પડાવ્યા
વડોદરાઃ ઓનલાઇન છેતરપિંડીના એક પછી એક બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાના એક સિનિયર સિટિઝને હર્બલ પ્રોડક્ટ મોકલવાના નામે રૃ.૯૪.૯૩ લાખ ગુમાવ્યા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
અલકાપુરીમાં રહેતા પરાગભાઇ દેસાઇએ પોલીસને કહ્યું છે કે,ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન ફેસબુક પર સ્ટિફ મ્હિઝે નામની મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મને વોટ્સએપ નંબર મોકલી વાતચીત શરૃ કરી હતી.જે દરમિયાન તેણે મને તેની બાયોજેનિક ફાર્મા કંપની ઇન્ડિયામાંથી હર્બલ પ્રોડક્ટ મંગાવવા માંગતી હોવાની જાણ કરી હતી.
મહિલાના નામે વાત કરનાર ઠગે કહ્યું હતું કે,ઇન્ડિયામાં ડો.વિરેન્દ્ર નામનો ડિસ્ટ્રિબ્યુટર છે.તેની પાસે OFIHO નામનું હર્બલ પ્રોડક્ટ મેળવીને સપ્લાય કરવાનું રહેશે.આ પ્રોડક્ટ વજન,ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે.૧૦ ગ્રામ પેકેટની કિંમત રૃ.૧ લાખ છે.પરંતુ અમારી કંપની રૃ.૨ લાખમાં ખરીદશે અને પ્રોફિટ આપણે શેર કરી લઇશું.ઠગે કંપનીના નામે મેલ પણ મોકલ્યો હતો અને સેમ્પલ મોકલી ૧૦૦ પેકેટનો ઓર્ડર આપ્યો હતો.
વડોદરાના સિનિયર સિટિઝને ઓર્ડર આપ્યો હતો.ઠગ કંપની બધી મળેલી હતી. ડો.વિરેન્દ્રએ ૨૬ પેકેટ જ મોકલ્યા હતા અને બાકીના ૪૬ પેકેટ એરપોર્ટ પર બ્લોક થઇ ગયા છે.જેવી વાતો કરી વારંવાર રૃપિયા પડાવ્યા હતા.સિનિયર સિટિઝને પેમેન્ટ માંગ્યું ત્યારે આરબીઆઇમાં પેમેન્ટની મંજૂરી માંગી છે.તેમ કહી ફરી રૃપિયા ભરાવ્યા હતા.તેમણે કુલ રૃ.૯૪.૯૩ લાખ ભર્યા બાદ ઠગાયા હોવાની જાણ થતાં સાયબર સેલને જાણ કરી હતી.