વડોદરામાં શ્રમજીવીને ગઠિયા ભેટી ગયા : L&T ફાઇનાન્સની 3.80 લાખની લોન સહિત ચાર લાખ પડાવી લીધા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વડોદરામાં શ્રમજીવીને ગઠિયા ભેટી ગયા : L&T ફાઇનાન્સની 3.80 લાખની લોન સહિત ચાર લાખ પડાવી લીધા 1 - image

image : Freepik

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામે રહેતા એક શ્રમજીવીને બેંકના લોન એજન્ટ તરીકે ત્રણ શખ્સોએ ઓળખ આપી હતી અને વિશ્વાસ બતાવી સીમકાર્ડ અને બેંકની વિગત મેળવી હતી. અને L&T ફાઇનાન્સમાંથી મેળવેલી 3.80 લાખની લોન તેમજ 20,000 ચાર્જ પેટે મળી 4,00,000 નો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ કરજણ તાલુકાના ચોરંદા ગામે નવીનગરીમાં રહેતા 42 વર્ષના શ્રમજીવી સલીમ ચૌહાણે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ઓગસ્ટ માસના 22 તારીખે સવારે 11 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા. ત્યારે વિરલ ,જય અને સ્મિત નામના ત્રણ યુવકો તેમના પાસે આવ્યા હતા. અને બેંકના અધિકારી છે અને લોન એજન્ટ તરીકે ઓળખ આપી હતી. અને લોન મેળવવા માટે તેઓએ સલીમને કહ્યું હતું. બાદ વિશ્વાસમાં આવી જતા સલીમનું સીમકાર્ડ તેમજ એટીએમ કાર્ડ લઈ સલીમના નામની એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપનીમાંથી ઓનલાઇન લોન પાસ કરાવી સલીમના એકાઉન્ટમાં પર્સનલ લોન પેટે રૂ.3,80,000 જમા કરાવ્યા હતા. એ જ રકમ એટીએમ કાર્ડ તેમજ નેટબેન્કિંગ વડે ત્રણેય ભેગા મળીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ઉપરાંત 20,000 રૂપિયા ચાર્જ પેટે લઈ ગયા હતા. આમ કુલ રૂપિયા 4,00,000નો ચૂનો ત્રણ શખ્સોએ દસ દિવસમાં ચોપડ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News