ફરસાણની દુકાનમાં પિતા - પુત્ર દ્વારા ભાગીદાર બનાવવાનું કહીને ૧.૮૩ કરોડની ઠગાઇ
બે કરોડનું રોકાણ કરે તો ૫૦ ટકાના ભાગીદાર બનાવવાની ઓફર કન્સલ્ટન્ટને આપી હતી
વડોદરા,પાયલ ફરસાણની દુકાનમાં ભાગીદાર બનાવવાનું કહીને પિતા - પુત્રે કન્સલ્ટન્ટ પાસેથી ૧.૮૩ કરોડ પડાવી લઇ છેતરપિંડી કરતા ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાસણા રોડ સંત કબીર સ્કૂલ પાસે શીલ બંગ્લોઝમાં રહેતો આલાપ અશોકભાઇ ઠક્કર દિવાળીપુરા કોર્ટ સામે સમ્યક સ્ટેટસ ખાતે રાકા એન્ટરપ્રાઇઝ પ્રા.લિ.નામની કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સી.એ. ઋત્વીજ વ્યાસ મારફતે કમલભાઇ ભાઇલાલભાઇ ઠક્કર ( રહે. વિશંજા બિલ્ડિંગ, રેસકોર્સ) તથા તેમના પુત્ર પરિત સાથે પરિચય થયો હતો. તેઓની પાયલ ફરસાણ નામની દુકાન છે. તેઓએ મને પાયલ ફરસાણના ધંધામાં ભાગીદાર થવાનું જણાવ્યું હતું. સપ્ટેમ્બર - ૨૦૧૫ માં તેઓએ મને જણાવ્યું હતું કે, વડોદરા તથા ગુજરાતમાં પાયલ ફરસાણની બીજી શાખાઓ ખોલવાની છે. તેઓએ મને બે કરોડના રોકાણની સામે મહિને ૧૫ થી ૨૦ લાખનો નફો થશે. તેવું જણાવ્યું હતું. તેમજ ૫૦ ટકાના ભાગીદાર બનાવવાનું જણાવ્યું હતું. જેથી, મેં ભાગીદાર બનાવવાનું વિચારી તા.૧૧ - ૧૦ - ૨૦૧૫ ના રોજ ૨૨ લાખ રોકડા આપી ૧૦૦ રૃપિયાના સ્ટેમ્પ પર બાંહેધરી પત્રક લખી આપ્યું હતું. ત્યારબાદ નજીકના સંબંધીના ખાતામાંથી ૬૧.૮૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા અને પાર્ટનરશિપ ડીડ તૈયાર કરી પચાસ ટકાના ભાગીદાર પિતા અને પુત્ર તથા બાકીના ૫૦ ટકાના ભાગમાં મારા માસા મુકેશભાઇ ઠક્કર તથા ધારાબેનને રાખ્યા હતા. બાકીના પૈસા આપશો ત્યારે પેઢીને રજીસ્ટર કરાવવાની બાંહેધરી તેઓએ આપી હતી. મેં કુલ ૧.૮૬ કરોડ ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ તેઓ પેઢીના જરૃરી દસ્તાવેજો તૈયાર કરાવતા નહી ંહોવાથી મને છેતરપિંડી થઇ હોવાનું જણાઇ આવતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા પિતા - પુત્રે મને જણાવ્યું હતું કે, પોલીસ ફરિયાદ ના કરશો અમે રૃપિયા પરત કરી દઇશું. તેઓએ મને ૩.૬૭ લાખ આપ્યા હતા. બાકીના રૃપિયા આપતા નહતા. ત્યારબાદ તેઓએ પાયલ ફરસાણનું નામ બદલીને શ્રી પાયલ ફરસાણ કરી દીધું છે. તેના માલિક તેમના પત્ની જાગૃતિબેનને બનાવી દીધા હતા.
અમારા રૃપિયામાંથી પરિત ઠક્કરે મુંબઇમાં પાયલ ફરસાણ નામથી ત્રણ દુકાનો શરૃ કરી હતી. જેમાં મને ભાગીદાર બનાવ્યો નહતો. તેમજ તેઓની ઓફિસે રૃપિયા પરત લેવા જતા થાય તે કરી લેજે, નાણાં નહીં મળે. તેવી ધમકી આપી હતી.