ઓનલાઇન ઠગોની નવી તરકીબઃ સિનિયર સિટિઝનને મિત્રનો ફોટો મોકલી મેડિકલના નામે રૃપિયા ખંખેર્યા
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે.વડોદરાના એક સિનિયર સિટિઝન સાથે આવી જ રીતે તેમના મિત્રનો ફોટો મોકલી રૃ.૧.૨૦ લાખ પડાવ્યા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
જેતલપુર રોડ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા અશોકભાઇ મકવાણાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૧મી નવેમ્બરે મને વોટ્સએપ એક અજાણ્યા નંબર પરથી ફોટો મોકલ્યો હતો.જે ફોટો મારા જૂના મિત્ર સી વી રામાક્રિષ્ણનનો હતો.
મેં વાત કરતાં તેમણે મને કહ્યું હતું કે તેઓ દુબઇ છે અને તેની બહેન સિરિયસ હોવાથી આવતીકાલે ભારત આવનાર છે.ત્યારબાદ તેણે બહેન માટે રૃપિયાની જરૃર છે તેમ કહેતાં મેં કુલ રૃ.૯૫ હજાર મોકલ્યા હતા.ત્યારપછી તેમણે મને એક મેસેજ મોકલ્યો હતો અને તેમાં રૃ.૧.૨૦ લાખ તમારા ખાતામાં ટ્રાન્સફર કર્યા છે તેમ કહ્યું હતું.
સિનિયર સિટિઝને કહ્યું છે કે,મારા મિત્રએ રૃ.૨૫ હજાર વધુ મોકલ્યા હોવાથી તેણે મારી પાસે રૃ.૨૫ હજાર પરત માંગ્યા હતા.જે મેં તેમને પરત કર્યા હતા.પરંતુ બીજે દિવસે મારા એકાઉન્ટમાં રૃપિયા જમા થયા નહતા.જેથી મેં સી વી રામાક્રિષ્ણનનો ડાયરીમાંથી નંબર લઇ ફોન કરતાં તેમણે દુબઇ ગયો જ નહિં હોવાની વાત કરી હતી.આ અંગે સાયબર સેલે ગુનો નોંધ્યો છે.