જૂનાગઢ અને સોમનાથમાં સ્માર્ટ રેશન કાર્ડના 25 કરોડના કોન્ટ્રાક્ટના નામે ઠગાઇ
વડોદરાઃ જૂનાગઢ અને ગીર સોમનાથમાં સ્માર્ટ રેશન કાર્ડના રૃ.૨૫ કરોડના કોન્ટ્રાક્ટ માટે ડાયરેક્ટરને રૃપિયા અપાવવાના નામે તેમજ કર્ણાટકમાં કામ કરાવી તેના રૃપિયા નહિં ચૂકવી રૃ.૧૮.૪૬લાખની ઠગાઇની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
જૂનાગઢના માળિયાહાટીના ખાતે રહેતા ધનાભાઇ જાધવભાઇ રામે પોલીસને કહ્યું છેકે,અમારા ગામના કમલેશભાઇ ચુડાસમા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હીરાવંતી ચેમ્બર સ્થિત સીસીપીએલ ગુ્રપ સોલ્યુશન નામની કંપનીના રવિકુમાર બાબુભાઇ ભાટીયા સાથે કામ કરતા હોવાથી મારે રવિકુમાર સાથે પરિચય થયો હતો.
રવિકુમારે માર્ચ-૨૦૧૯માં જૂનાગઢ અને ગીર સોમનાથમાં સ્માર્ટ રેશનકાર્ડનો રૃ.૨૫ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી કહ્યું હતું કે,પહેલાં રૃ.૫ કરોડનું કામ મળશે અને તે માટે બંને જિલ્લાના બે ડાયરેક્ટરને રૃ.૭-૭ લાખ આપવા પડશે.જેથી તેમને રૃ.૧૪ લાખ આપ્યા હતા.પરંતુ ત્યારબાદ કોરોનાના નામે તેમજ બીજા બહાના બતાવી કામ આપ્યું નહતું.
ધનાભાઇએ કહ્યું છે કે,ત્યારબાદ રવિકુમારે મને કર્ણાટક અને જમ્મુમાં સોલારનું કામ આપવાની વાત કરી ડિપોઝિટ પેટે રૃ.દોઢ લાખ લીધા હતા.કર્ણાટકમાં મેં કામ કર્યું તેના રૃ.૨.૯૫લાખ પણ હજી આપ્યા નથી.મેં આપેલી રકમ રવિકુમાર તેમજ તેમના સાથી મિતેષ ઉર્ફે સોની નટવરલાલ ભાટીયા(મારુતિ ધામ સોસાયટી છેલ્લી ગલી,જીઆઇડીસી રોડ,વડોદરા)ના ખાતામાં જમા થઇ હતી.જેથી કારેલીબાગ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.