લંડન મોકલવાના બહાને યુવક પાસેથી ૪ લાખ લઇ છેતરપિંડી
દંપતીએ બંધ થઇ ગયેલા બેન્ક એકાઉન્ટના ચેક આપ્યા : ૨૫ હજાર પરત કર્યા હતા
વડોદરા,ઇવેન્ટનું કામ કરતા યુવકને લંડન મોકલવાનું જણાવી ભેજાબાજ દંપતીએ ૪ લાખ લઇ લંડન નહીં મોકલી છેતરપિડી કરી હતી. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
દંતેશ્વર સોમા તળાવ બ્રિજ પાસે સમૃદ્ધિ રેસિડેન્સીમાં રહેતો રાજ સંજયભાઇ રાજપૂત ઇવેન્ટનું કામ કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૨ માં જે.ડી.એસ. લેબોરેટરીમાં કામ કરતા હતા. ત્યારે કોવિડ ટેસ્ટ કરવા માટે મેહુલભાઇ પટેલ ઉર્ફે હેમલ પટેલ ( રહે. કુંજ સોસાયટી, અલકાપુરી)ના ઘરે ગયો હતો. ત્યારે તેઓએ મારો મોબાઇલ નંબર લીધો હતો. તેમણે ઇવેન્ટ બાબતે જાણકારી મેળવી કેટલું કમાય છે ? તેવું પૂછતા મેં કહ્યું હતું કે, મહિને બે થી અઢી હજાર કમાઉં છું. હું તારા માટે સારૃં વિચારીશ. ત્યારબાદ અમારા વચ્ચે વાતચીત ચાલતી હતી. ગત તા.૧૯ - ૦૩ - ૨૦૨૨ માં તેમની પત્નીની બર્થડે ઉજવણી માટે ઇવેન્ટ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મેહુલભાઇએ મને કહ્યું કે, લંડન ખાતે મારી હોટલ અને પેટ્રોલ પંપ છે. તારે નોકરી કરવી હોય તો હું તને ત્યાં મોકલી આપીશ. મેહુલભાઇએ કુલ ૮ લાખ ખર્ચ થશે.તેવું જણાવી કહ્યું હતું કે, ચાર લાખ હમણા આપજે. બાકીના ચાર લાખ લંડન જઇને આપજે. હું તારા પગારમાંથી કાપી લઇશ. બે મહિનામાં મેં ચાર લાખ આપ્યા હતા. તેમણે ત્રણ મહિનામાં લંડન મોકલી આપવાની વાત કરી હતી.ત્રણ મહિના થવા છતાંય મને લંડન મોકલ્યો નહતો. જેથી,મેં પૈસા પરત માંગ્યા હતા. તેમણે મને ૨૫ હજાર બ્લુ બર્ડ કંપનીના એકાઉન્ટમાંથી પરત આપ્યા હતા. ત્યારબાદ મારો કોલ રિસિવ કરવાનું તેમણે બંધ કરી દીધું હતું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરતા મેહુલભાઇ તથા તેમના પત્ની અર્પિતાબેને રૃપિયા પરત કરવાનું કહેતા મેં અરજી પરત ખેંચી લીધી હતી. તેમણે આપેલા ચેક અંગે બેન્કમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ એકાઉન્ટ બંધ છે.