એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી

૫.૮૭ લાખ લઇ આપેલા ૨૦ ટેબલેટ એક્ટિવેટ થતા જ નહતા

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News

 એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી 1 - imageવડોદરા,વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપતી સંસ્થામાં રોકાણ કરશો તો સારૃં વળતર મળશે. તેવી લાલચ આપી પાયોનિયર સર્વિસિસના સંચાલક પાસેથી ૫.૮૭ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકોટા આર.સી.પટેલ એસ્ટેટ પાસે સામ્રાજ્ય - ૧ માં રહેતા કેતન રામુભાઇ પુરોહિત  પાયોનિયર સર્વિસિસ નામની સંસ્થા ચલાવે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપતી  બેઝિક ફર્સ્ટ લર્નિંગ ઓ.પી.સી.પ્રા.લિ. નામની સંસ્થા રણધીરકુમાર પ્રિયદર્શી નામની વ્યકિત ચલાવે છે. તેમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેમજ રાજ્યમાં અલગ - અલગ વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી આપવાની જાહેરાતો કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં તેઓની બ્રાંચ ખોલવા માટે રણધીરકુમારે અમારો સંપર્ક કર્યો હતો. તેઓએ પ્રેઝન્ટેશન આપી રોકાણ કરવાથી ફાયદો થશે.તેવું જણાવ્યું હતું. તેમના પર વિશ્વાસ રાખી મેં ૫.૮૭ લાખનું રોકાણ કર્યુ હતું. તેઓએ એજ્યુકેશન એપ માટે ૨૦ ટેબલેટ આપ્યા હતા. પરંતુ, તે એક્ટિવેટ થતા નહીં  હોવાથી મેં તેઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, અમારી અમદાવાદ પ્રહલ્લાદ નગર ખાતે આશીર્વાદ બંગ્લોઝની બ્રાંચમાં જમા કરાવી  દો. તમને તમારા રૃપિયા  પરત કરી દેશે. મેં ત્યાં જઇને ટેબલેટ જમા કરાવી દીધા હતા. ત્યાં હાજર  કર્મચારીએ થોડા દિવસમાં રૃપિયા મળી જશે. તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ અવાર - નવાર રણધીરકુમારને કોલ કરવા છતાંય મને રૃપિયા પરત ચૂકવ્યા નહતા.


Google NewsGoogle News