વડોદરામાં એક વર્ષમાં દીપડાના મોતનો ચોથો બનાવ,પોર નજીક દીપડાનો મૃતદેહ મળ્યો
સાવલીમાં સળગેલી હાલતમાં અને વાઘોડિયામાં પૂંછડી કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા
વડોદરાઃ વડોદરા જિલ્લામાં દીપડાના મોતનો વધુ એક બનાવ બનતાં વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે.જ્યારે પર્યાવરણ પ્રેમી અને જીવદયા કાર્યકરોએ આંચકો અનુભવ્યો છે.
વડોદરા નજીક આવેલા પોર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાતો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડા દ્વારા મારણ થતા હોવાની પણ વાત વહેતી થઇ હતી.તાજેતરમાં ધનીયાવી ખાતે પણ એક વૃધ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો.
દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરા પણ મુકવામાં આવ્યા છે.પરંતુ દીપડો પકડાતો નથી.જ ે દરમિયાન આજે સરાર નજીકના કોતરમાં દીપડાનો મૃતદેહ મળી આવતાં ગ્રામજનોના ટોળાં જામ્યા હતા. વનવિભાગને જાણ થતાં તેમણે દીપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ કરી હતી.
નોંધનીય છે કે,વડોદરા જિલ્લામાં દીપડાના મોતનો ચોથો બનાવ બન્યો છે.જેમાં ફેબુ્રઆરી-૨૦૨૩માં કરજણના મેથી ખાતે ખેતરની ફેન્સિંગમાં ફસાયેલા દીપડાનું મોત થયું હતું.જ્યારે,તેના બે મહિના પછી વાઘોડિયાના વ્યારા ગામે દીપડાનો મૃતદેહ મળ્યો હતો.જેના પૂંછડી અને પગ કપાયેલા હતા.ત્યારબાદ થોડા જ દિવસમાં સાવલીના ધનતેજ ખાતે સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.
દીપડાનું મોત શ્વાસ રૃંધાવાથી થયું હતું
પોર નજીક કોતરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવવાના બનાવમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે, પંચાયતની ગોચર જમીનના કોતરમાંથી અંદાજે ૧૨-૧૩ વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવતાં ડોક્ટરોની પેનલ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક તબક્કે દીપડાનું મોત શ્વાસ રૃંધાઇ જવાથી થયું હોવાની જાણવા મળ્યું છે.દીપડો કોતરમાં શિકાર કરવા ગયો હશે અને ત્યાં ઝાડીમાં ફસાઇ ગયો હોય તેમ માની શકાય છે.