10 વર્ષ જૂના મારામારીના કેસમાં ભાજપ શાસિત ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત નવને ચાર વર્ષની કેદ
Godhra Fight Case : ગોધરા શહેરના સ્ટેશન રોડ પર આવેલી શંકર લોજમાં 10 વર્ષ અગાઉ થયેલી મારમારીના કેસમાં ગોધરાની કોર્ટે ગોધરા ભાજપ શાસિત નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુરેશ દેરાઇ સહિત 9 ઇસમોને ચાર વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યા બાદ તમામની અટકાયત કરી વડોદરાની જેલમાં મોકલી દેવાયા હતાં.
10 પહેલાં માર મારીને આપી હતી જાનથી મારી નાંખવાની ધમકી
28 મે 2014 ના રાત્રે કેટલાક ઈસમો ગોધરા શહેરના સ્ટેશન રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલી શંકર લાજમાં વાહનો લઇને આવ્યા હતા અને ત્યાં હાજર સતિષ પરમાનંદ હરવાણીની સાથે બોલાચાલી કરી સુનિલ જમનદાસ લાલવાણી, સુરેશ દેરાઈ તથા અન્યોએ હુમલો કરી સતિષભાઈને મારક હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.આ પછી જાનથી મારી નાંખવાની ધમકી આપી અપશબ્દો બોલીને ચાલી ગયા હતાં.
આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, આ કેસ ગોધરાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિજ્ઞેશ ગિરીશભાઈ દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા તમામ આરોપીઓને તકસીરવાન ઠેરવીને નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી અને ગોધરા રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુરેશ દેરાઈ સહિત તમામ નવ ઇસમોને કુલ ચાર વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
સજા પામેલા નવ શખ્સોના નામ
- સુનિલ જમનદાસ ખેમચંદ લાલવાણી નગરપાલિકા ઉપપ્રમુખ (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા)
- સુરેશ મગનલાલ દેરાઇ રેડક્રોસ સો.ના ઉપપ્રમુખ અને પંચમહાલ વ્યાપાર સેલના સંયોજક (રહે. પાર્વતીનગર, ગોધરા)
- અનિલ દયાલદાસ લાલવાણી (રહે.ઝુલેલાલ સોસાયટી, ગોધરા)
- અશોકકુમાર ઉફે લહેરી ફતનદાસ લાલવાણી (રહે.જૈન સમ્રાટ સોસાયટી, ભુરાવાવ, ગોધરા)
- ભાવેશ ઉર્ફે ભલો બાબુભાઇ ફટવાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા)
- ચમનભાઇ મુલચંદ કલવાણી (રહે. બહારપુરા, ગોધરા )
- મનિષ ઉફ્રે મની ખેમચંદ લાલવાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા)
- જીતુભાઇ ઉર્ફે જયેન્દ્ર દયાલદાસ લાલાવાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા)
- મનોજભાઇ કુંદનદાસ ગોવરાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા)