બ્રાન્ડેડ કંપનીના ગારમેન્ટ્સના પાર્સલમાંથી કપડા ચોરી કરનાર ચાર ઝડપાયા
પાર્સલોમાંથી કપડા કાઢી પથ્થરો ભરીને મહારાષ્ટ્રના ભીવંડી મોકલી આપ્યા
વડોદરા,બ્રાન્ડેડ કંપનીના ગારમેન્ટ્સના પાર્સલમાંથી કપડા કાઢી લઇ પથ્થરો ભરી દઇ ચોરી કરનાર કુરિયર કંપનીના ચાર કર્મચારીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે.
પંદર દિવસ પહેલા જી.એસ.એફ.સી.ના ગેટ સામે ડિલિવરી સર્વિસ નામની કુરિયર સર્વિસમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા ચાર યુવકોએ ચોરી કરી હતી. ગેડા સર્કલ પાસે આવેલી પેન્ટાલૂન્સ નામની કપડાની દુકાનમાંથી કપડાના પાર્સલો લઇ જઇ પાર્સલોમાંથી ગારમેન્ટ્સ કાઢી લઇ તેમાં પથ્થરો ભરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૭ પાર્સલો મહારાષ્ટ્રના ભીવંડી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ચોરીના કપડા વેચવા દશરથ ગામે ફરતા હતા. જેની માહિતી ડીસીબી પોલીસને મળતા પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ચાર લોકો પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને (૧) નિરજ ઉર્ફે નિલુ પ્રવિણભાઇ યાદવ (૨) મયંક મહેન્દ્રસિંહ રાઠોડ (૩) ભાવિક રાજુભાઇ ભીલ ( ત્રણેય રહે. નવદુર્ગા સોસાયટી, દશરથ) તથા (૪) આશિષ અશોકભાઇ પટેલ ( રહે. ખોડિયાર પાર્ક સોસાયટી,છાયાપુરી, છાણી) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગારમેન્ટ, રોકડા અને ગારમેન્ટ વેચીને આવેલા રૃપિયામાંથી ખરીદેલા ચાર મોબાઇલ ફોન કબજે લીધા છે. ડીસીબી પોલીસે ચારેય આરોપીઓને ગોરવા પોલીસને સોંપી દીધા છે.