જરોદ બાદ રાવપુરા પોલીસ સ્ટેશનના વાહનોમાં આગ,ચાર ટુવ્હીલર ખાક
વડોદરાઃ પોલીસ સ્ટેશનોમાં કબજે કરેલા વાહનોમાં આગ લાગવાના બની રહેલા બનાવોમાં આજે વધુ એક બનાવ બન્યો છે.જેમાં રાવપુરા પોલીસે કબજે લીધેલા વાહનોમાં આગ લાગતાં ચાર ટુવ્હીલરખાક થઇ ગઇ હતી.
પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરવામાં આવતા વાહનો પ્રત્યે બેદરકારી રાખવામાં આવતી હોવાને કારણે આગ લાગવાના તેમજ વાહનોને નુકસાન થવાના અવારનવાર બનાવો બનતા હોય છે.બે દિવસ પહેલાં જ જરોદ પોલીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગતાં ૨૭ વાહનો આગમાં ખાક થયા હતા.
આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવી નથી.જેને કારણે આજે વધુ એક બનાવ બન્યો હતો.રાવપુરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાછળની ફોરેસ્ટ ઓફિસ પાસેની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવતા હોય છે.
આજે બપોરે કચરામાં આગ લાગતાં ચાર ટુવ્હીલર આગમાં લપેટાયા હતા.ફાયર બ્રિગેડની મદદ લેવાતાં થોડી જ વારમાં આગ કાબૂમાં લઇ રિક્ષા તેમજ ફોરવ્હીલર સહિતના વાહનો બચાવી લેવામાં આવ્યા હતા.