વડોદરાના ચાર પદયાત્રીઓ રાજસ્થાનમાં આવેલા તીર્થધામ ખાટુ શ્યામ જવા રવાના
વડોદરાના તરસાલીના ગજાનન સાઈ સમર્થ પદયાત્રા સંઘના નેજા હેઠળ વડોદરા ના ચાર પદયાત્રીઓ તીર્થધામ ખાટુ શ્યામ જવા તારીખ 1 ના રોજ શરદ નગર તરસાલીના શ્રી સાઈ બાબાના મંદિર થી રવાના થયા છે. આ ચારેય પદયાત્રીઓ 18 દિવસની પદ યાત્રા બાદ ખાટુ શ્યામ પહોંચશે. વડોદરા થી ખાટુ શ્યામ નું અંતર 800 કિમી થાય છે .ખાટુ શ્યામ રાજસ્થાન ના શિકર જિલ્લામાં આવેલું છે. ખાટુ શ્યામ નો ઇતિહાસ મહાભારત કાલીન બર્બરીક સાથે સંકળાયેલો છે . બર્બરીક ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો. ખાટુશ્યામના મંદિરે દર્શનાર્થે દેશભરના શ્રદ્ધાળુઓ આવતા રહે છે . વડોદરાના આ પદયાત્રીઓ પંકજ પાટીલ, છાણીના સચિન પારતે, પ્રતાપનગર કુંભારવાડા ના નગીન માછી અને સોમા તળાવના ખોડા તડવી રોજનું 40 થી 45 કીમી અંતર કાપે છે. મંગળવારે તેઓ શામળાજી પહોંચીને ત્યાં રોકાણ કરવાના હતા. શામળાજી થી શ્રીનાથજી થઈ તેઓ આગળ પ્રયાણ કરવાના હતા. પંકજ પાટીલે જણાવ્યું હતું કે તેમના સહિત ચાર રામભક્તોએ ગત જાન્યુઆરીમાં વડોદરાથી અયોધ્યા સુધી 1300 કિલોમીટરની 33 દિવસની પદયાત્રા કરી હતી, અને ભવ્ય રામ મંદિર પહોંચી દર્શન કર્યા હતા. તેઓ અગાઉ 14 વર્ષ વડોદરા થી શિરડીની, 2 વર્ષ ગજાનન મહારાજ શેગાવની, 6 વર્ષ દ્વારકા અને 11 વર્ષ અંબાજીની ઉપરાંત બીજી અનેક નાની મોટી પદયાત્રા કરી ચૂક્યા છે. શેગાવ વડોદરાથી 600 કિલોમીટર દૂર છે.