પોલીસ સહિતના ચાર હજાર જવાનો આજથી મતાધિકારનો ઉપયોગ કરશે

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
પોલીસ સહિતના ચાર હજાર જવાનો આજથી મતાધિકારનો ઉપયોગ કરશે 1 - image


ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત રહેનાર

વિધાનસભા દીઠ અલગ અલગ ઉભા કરવામાં આવેલા બુથ ઉપર બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે

ગાંધીનગર :  આગામી તા.સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત રહેનાર જિલ્લા પોલીસ જવાનો આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લાના પોલીસવડાની કચેરી ખાતે મતદાન કરશે. જેમાં હોમગાર્ડ અને પોલીસ ભવનના કર્મચારીઓ માટે પણ મતદાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જિલ્લાની પાંચેય વિધાનસભા મતવિભાગમાં આ પ્રકારે પોલીસ માટે મતદાનની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગાંધીનગર લોકસભા બેઠક માટે તા.સાતમીના રોજ મતદાન થવાનું છે ત્યારે હાલ જિલ્લા ચૂંટણી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જિલ્લાના ૧,૩૨૦ જેટલા મતદાન મથકોમાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ ફરજ બજાવવાના છે જેથી આ જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી શકે તે હેતુથી પોલીસ જવાનો માટે આજથી મતદાન માટેની વ્યવસ્થા સે-ર૭ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કરવામાં આવી છે. હોમગાર્ડ અને પોલીસ ભવનના ૧૯૦૦ જેટલા જવાનો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત ગાંધીનગર જિલ્લાના પોલીસ જવાનો અને એસઆરપી જવાનો મળી કુલ ર૭૦૦ જેટલા મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. બેલેટ પેપરથી યોજનાર આ મતદાન પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી શરૃ થશે.

ઉપરાંત વિધાનસભા દીઠ અલગ અલગ બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે.આ મતદાન માટે પણ રાજકીય પક્ષોએ પોલીસ જવાનોનો સંપર્ક શરૃ કર્યો છે. નોંધવું રહેશે આ પોલીસ જવાનો દ્વારા કરવામાં આવનાર આ મતદાનની ગણતરી તા.૪ જુને ઇવીએમ મશીન પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા વોટીંગ કર્યા બાદ મતદાનના દિવસે તેમને અલગ અલગ તાલુકામાં ડયુટી સોંપવામાં આવશે. એટલે કે, જે તાલુકાના પોલીસ સ્ટેશનમાં જવાન ફરજ નિભાવતા હોય તેમને અન્ય તાલુકાના મતદાન મથકે ઇલેક્શન ડયુટી સોંપવામાં આવશે.


Google NewsGoogle News