જિલ્લામાં ચાર રસ્તાઓ હજી પણ અવરજવર માટે બંધ હાલતમાં

પાલેજ-નારેશ્વર રોડની હાલત હજી બદતર ઃ ૫૦ માર્ગો રિપેરિંગ કરાયાનો દાવો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
જિલ્લામાં ચાર રસ્તાઓ હજી પણ અવરજવર માટે  બંધ હાલતમાં 1 - image

વડોદરા તા.1 વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના  કારણે જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ ૫૪ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા ૫૦ રસ્તાઓ પુનઃ શરૃ કરી દેવામાં આવ્યા છે. જ્યારે  ચાર  રસ્તા કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે હજી પણ બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૃ થશે. 

માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે  વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ ૪૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૪૨ રસ્તાઓનું રિપેરિંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે.

જિલ્લામાં હાલમાં કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ  રસ્તા પર પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે.જે પાણી ઓસર્યા બાદ શરૃ થશે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેરે કહ્યુ હતું કે વડોદરા જિલ્લામાં  પૂરના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ આઠ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. જે પૈકી સાત રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ કરી પુનઃ શરૃ કરવામાં આવ્યા છે.

હાલમાં કરજણ તાલુકાના કોરાલ -  શાનપૂર - સોખડા માર્ગ કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ છે. જે પાણી ઓસર્યા બાદ શરૃ થશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પાલેજ અને નારેશ્વર વચ્ચેનો રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતાં પરંતુ વરસાદના કારણે આ રોડની હાલત વધુ બદતર બની ગઇ છે.




Google NewsGoogle News