ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર છોડાવવા ચાર શખ્સોની દાદાગીરી
ડમ્પરના માલિક જાવેદખાન, ચાલક અને અન્ય બે સામે ગુનો ઃ રોયલ્ટીપાસ પણ નકલી હોવાની શંકા
કરજણ તા.૭ કરજણ તાલુકાના સારીંગ ગામની ચેક પોસ્ટ પરથી ઝડપાયેલા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહી કરતાં જ ડમ્પરનો માલિક, ચાલક સહિત ચાર શખ્સો રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે જબરજસ્તી કરી ડમ્પર ઉઠાવી જતા ચારેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સારીંંગ ગામ ખાતે આવેલી ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતાં રોયલ્ટી ઇન્સ્પેકટર કિશનભાઈ રાણવા આજે સવારે સિક્યુરિટિ ગાર્ડ સાથે નારેશ્વર, દેલવાડા તેમજ સોમજ બાજુથી રેતી ભરીને આવતા વાહનોને રોકી રોયલ્ટીપાસ, ઓવરલોડ જેવી બાબતો ચેક કરતા હતા. આ વખતે નારેશ્વર તરફથી રેતી ભરેલ એક ડમ્પર આવતા તેને ચેકિંગ માટે રોક્યું હતું.
ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા ચાલકે રોયલ્ટી પાસ રજુ કર્યો હતો. આ રોયલ્ટી પાસ સાચો છે કે કેમ? તે ચેક કરવા માટે વજનકાંટા પાવતી માંગતા એક સાદા કાગળમા પેનથી લખેલ પાવતી આપી હતી. જે પાવતી માન્ય ન હોય સારીંગ ખાતે આવેલ એક વજનકાંટા ઉપર ડમ્પર લઇ જઇ વજન કરાવતા ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતા ૧૦૬૪૦ ટન રેતી વધારે ભરેલી હોવાનું બહાર આવ્યું હતુ. જેથી રેતીનું વજન ઓવરલોડ જણાતા રેતી ભરેલ ડમ્પર સીઝ કરી ચેક પોસ્ટના કમ્પાઉન્ડમાં લાવી મુકી દીધું હતું.
ડમ્પરના ડ્રાઇવર પાસે ગાડીની ચાવી તથા આર.સી.બુક માંગતા આપી ન હતી અને ગાડીના માલિકને ફોન કરતાં ડમ્પરનો માલિક જાવેદખાન પઠાણ બે માણસો સાથે આવી ડમ્પર લઇ જવાનું કહેતાં રોયલ્ટી ઇન્સ્પેકટરે પેપરવર્ક કરવાનું હોય ના પાડી હતી. જેથી ડમ્પરનો માલિક, ડમ્પર ચાલક સહિત બીજા બે ઈસમો એકદમ ઉશ્કેરાઇને ગાડી તો અમે લઈને જ જઈશુ તમારાથી થાય તે કરી લો તેમ કહી બોલાચાલી કરી બળજબરીપૂર્વક ઓવરલોડ ભરેલ રેતીનું ડમ્પર લઈ નીકળી ગયા હતા.
ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર લઈ જઈ સરકારી ફરજમાં અડચણ કરવા બાબતે ડમ્પરના માલિક જાવેદ પઠાણ, ડમ્પર ચાલક તેમજ અન્ય બે ઈસમો વિરુદ્ધ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવતાં કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.