ડિસ્ટાફના જમાદારના પુત્ર સહિત ચાર શખ્સોનો યુવાન પર હૂમલો
- જાહેરમાં યુવાનને માર મારતાં લોકો ભેગા થઈ ગયા: એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ
વડોદરા,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર
સુશેન તરસાલી રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે મિત્રને મળવા માટે ગયેલ એક યુવાનને ઘેરીને માંજલપુર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના જમાદારના પુત્ર સહિત ચાર શખ્સોએ મારક હથિયારોથી માર મારી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તરસાલી વિસ્તારમાં આવેલ એસ્સાર પેટ્રોલ પંપની પાછળ રાજીવનગરમાં રહેતા સંજય ડાહ્યાભાઈ પરમારે માંજલપુરમાં રહેતા મયુર વાઘ, હિતેશ બોરસે, જીગર વાઘ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફના જમાદારના પુત્ર અંકિત બડગુજર સામે માજલપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું જીઆઇડીસીમાં કામ કરું છું તા.16ની સાંજે માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ સોસાયટીના ગેટની પાસે મારા મિત્રને મળવા ગયો ત્યારે આરોપીઓએ મને જોઈને અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું હતું. મેં તેમને અપશબ્દો બોલવાનું ના કહેતા તેઓ મારી જાતિ વિરુદ્ધ શબ્દો ઉચ્ચારી લોખંડની પાઇપ, બેલ્ટથી અને ગરદાપાટું માર માર્યો હતો. આ વખતે બુમાબુમ થતા લોકો ભેગા થઈ ગયેલ અને મને બચાવેલ બાદમાં મેં સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉપરોક્ત બનાવ અંગે ભોગ બનનારે ડીસીપીને ફરિયાદ કર્યા બાદ આખરે માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.