પોલીસને દારૂની બાતમી કેમ આપે છે કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
image : Freepik
- લોખંડની પાઇપ અને લાકડીથી કરેલા હુમલામાં યુવાન ગંભીર ઘાયલ
વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા આજવા રોડ પર નિમેટા ગામ પાસે ઘેર જતા એક યુવાનને ચાર શખ્સોએ દારૂની બાતમી કેમ આપે છે તેમ કહી લાકડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે નિમેટામાં મહાદેવ ફળિયામાં રહેતો વિષ્ણુ ઉર્ફે કિશન રાઠોડિયા સવારે આજવા રોડ ઉપર કલર કામ માટે ગયો હતો અને સાંજે કામ પૂર્ણ થયા બાદ રિક્ષામાં બેસી નિમેટા આવીને ઉતરીને ઘેર ચાલતા જતો હતો તે સમયે નિમેટાની સેવન સ્ટાર સોસાયટીમાં રહેતો મૂળ અલવા ગામનો કરણ રાજુ મકવાણા આવ્યો હતો અને કહ્યું કે તું અમારી દારૂની માહિતી કેમ પોલીસને આપે છે ? તેમ કહી ઝઘડો કરી મારામારી કરી હતી.
આ વખતે વિષ્ણુએ હું કોઈ માહિતી આપતો નથી કે હું કોઈ પોલીસને ઓળખતો નથી તેમ કહેતા કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોએ દોડી આવીને લાકડીથી તેમજ લોખંડની પાઇપથી હુમલો કરી વિષ્ણુને માર માર્યો હતો. આ વખતે લોકો ભેગા થઈ જતાં ચારે હુમલાખોરો ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત વિષ્ણુને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે વાઘોડિયા પોલીસે વિષ્ણુની ફરિયાદના આધારે કરણ મકવાણા તેમજ અન્ય ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.