નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ ચાર માધ્યમિક સ્કૂલો શરુ કરશે
વડોદરાઃ વર્તમાન શૈક્ષણિક વર્ષમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ચાર માધ્યમિક સ્કૂલો શરુ કરી છે અને આગામી વર્ષે વધુ ચાર માધ્યમિક સ્કૂલો શરુ કરવાની યોજના બનાવી છે.
મળતી વિગતો પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ આ ચાર નવી સ્કૂલો શરુ કરવાની દરખાસ્ત તા.૨૮ ફેબુ્રઆરી પહેલા મોકલી દેવામાં આવે તેવી શક્યતા છે.વડોદરા શહેરના ચાર અલગ અલગ વિસ્તારમાં આવેલી તરસાલી, હરણી, અકોટા, અને ગોરવા વિસ્તારની સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે.આ પૈકી ગોરવા વિસ્તારની સ્કૂલમાં આસપાસમાં રહેતા હિન્દી ભાષી લોકોની વધારે વસતીને જોતા હિન્દી માધ્યમમાં માધ્યમિક સ્કૂલ શરુ કરવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જે ચાર નવી સ્કૂલો શરુ કરવામાં આવી છે તેમાં વાડી વિસ્તારની પ્રેમાનંદ સ્કૂલ, અટલાદરા વિસ્તારની શ્યામા પ્રસાદ મુખરજી સ્કૂલ , ગોત્રીની સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્કૂલ અને હરણી વારસીયા રિંગ રોડ પરની સ્વામી વિવેકાનંદ સ્કૂલનો સમાવેશ થાય છે.આ ચારે સ્કૂલોમાં આ વર્ષે ધો.૯ શરુ થયુ છે.જેમાં કુલ ૨૫૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
નવી ચાર સ્કૂલો શરુ થશે તે પછી શિક્ષણ સમિતિની માધ્યમિક સ્કૂલોની સંખ્યા આઠ થશે.જોકે તેની સાથે સાથે શિક્ષણ સમિતિની કામગીરીનો વ્યાપ વધવાના કારણે આ સ્કૂલોનુ સંચાલન સારી રીતે થાય તે જોવાની સત્તાધીશોની જવાબદારી પણ વધશે.
શિક્ષણ સમિતિના ૮૫ ટકા શિક્ષકો બૂથ લેવલ ઓફિસર તરીકે કામગીરી કરી રહ્યા છે
શિક્ષણ સમિતિના શિક્ષકો માટે મોટી સમસ્યા ભણાવવા સીવાયની સરકારી કામગીરીઓની પણ છે.કોઈ પણ સરકારી કામગીરી માટે સૌથી પહેલા શિક્ષણ સમિતિના શિક્ષકોને યાદ કરવામાં આવે છે.હાલમાં ચૂંટણી લક્ષી કામગીરી માટે બૂથ લેવલ ઓફિસર તરીકે જે સરકારી કર્મચારીઓની નિમણૂંક કરાઈ છે તેમાં સૌથી વધારે સંખ્યા શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોની છે.કુલ શિક્ષકો પૈકી ૮૫ ટકા અત્યારે બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે.સ્કૂલ કામગીરી બાદ તેમને આ કામગીરી પણ કરવાની હોવાથી તેમની ભણાવવાની ક્ષમતા પર અસર પડી રહી છે.શિક્ષકોની લાગણી છે કે, અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ મોટી સંખ્યામાં આ કામગીરી સોંપીને પ્રાથમિક શિક્ષકો પરનુ ભારણ ઓછુ કરવુ જોઈએ.
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માધ્યમિક સ્કૂલો શરુ કરવી પડે તેમ છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧૯ પ્રાથમિક સ્કૂલો છે અને દર વર્ષે ધો.૮ પાસ કરનારા વિદ્યાર્થીઓને ધો.૯માં શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી પડતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ સમિતિ દ્વારા માધ્યમિક સ્કૂલો શરુ કરવાનુ નક્કી કરાયુ છે.સમિતિના સૂત્રોનુ કહેવુ હતુ કે,પ્રાથમિક સ્કૂલોની સાથે સાથે માધ્યમિક સ્કૂલોનુ સંચાલન કપરુ છે પણ માધ્યમિક સ્કૂલો શરુ કરવામાં ના આવે તો પ્રાથમિક સ્કૂલોમાંથી ધો.૮ પાસ કરનારા ઘણા વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે.
માધ્યમિક સ્કૂલો માટે એનજીઓએ શિક્ષકો પૂરા પાડયા છે
હાલમાં જે ચાર માધ્યમિક સ્કૂલો કાર્યરત થઈ છે તેને ગ્રાન્ટેડ નહીં પણ સેલ્ફ ફાઈનાન્સ તરીકે જ બોર્ડે મંજૂરી આપી છે.જેના કારણે આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકોની વ્યવસ્થા કરવાની જવાબદારી સમિતિની છે.અત્યારે આ ચાર સ્કૂલોમાં એક એનજીઓ દ્વારા શિક્ષકો પૂરા પાડવામાં આવ્યા છે.જેમણે શરુઆતના ૬ મહિના સુધી એક પણ પૈસો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવ્યા છે પણ સમિતિના સત્તાધીશો હવે તેમને માનદ વેતન આપવા માટે વિચારણા કરી રહ્યા છે.જો આ એનજીઓ ભવિષ્યમાં શિક્ષકો પૂરા પાડવા માટે કોઈ કારણસર ઈનકાર કરે તો શિક્ષકોની વ્યવસ્થા શિક્ષણ સમિતિએ જાતે કરવી પડશે