વડોદરાની વસ્તિ અને વિસ્તાર વધતાં નવા ચાર પોલીસ સ્ટેશન બનશે,બે તૈયારઃ બીજા બે ના નકશા બની ગયા
વડોદરાઃ વડોદરા શહેરમાં ટૂંક સમયમાં જ નવા ચાર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવનાર છે.જે પૈકી બે પોલીસ સ્ટેશન તૈયાર થઇ જતાં ટૂંક સમયમાં જ બંનેનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
ગાયકવાડી સમયમાં વડોદરામાં ગણતરીના બે થી ત્રણ પોલીસ સ્ટેશન હતા.પરંતુ ત્યારબાદ જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓ ઉભી કરવામાં આવી રહી છે.હાલમાં મહિલા અને સાયબર પોલીસ સ્ટેશન સહિત ૨૩ પોલીસ સ્ટેશન ઉપરાંત ડીસીબી, પીસીબી,એસઓજી,ઇકો સેલ,એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ,એમઓબી,લાયસન્સ, ટ્રાફિક સહિતની જુદીજુદી બ્રાન્ચો પણ કાર્યરત છે.
શહેરનો વિકાસ સતત થઇ રહ્યો હોવાથી નવા ચાર પોલીસ સ્ટેશનની જરૃરિયાત ઉભી થઇ છે.જે પૈકી અતિ સંવેદનશીલ વિસ્તાર ફતેપુરામાં કુંભારવાડા પોલીસ સ્ટેશન તેમજ અકોટા પોલીસ સ્ટેશન તૈયાર થઇ જતાં તેમાં સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ બંને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કહ્યું હતું કે,જેપી રોડ પોલીસ સ્ટેશન, અને માંજલપુર પોલીસ સ્ટેશનોની હદ ઘટાડીને અટલાદરા પોલીસ સ્ટેશન તેમજ વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદ ઘટાડીને કપૂરાઇ પોલીસ સ્ટેશન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.આ બંને પોલીસ સ્ટેશનોની હદના નકશા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જગ્યાની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.