વડોદરા શહેરમાં નવા ચાર કોરોનાના કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ : નવો વેરિયન્ટ છે કે કેમ તેની તપાસ માટે નમુના લેબમાં મોકલ્યા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
વડોદરા શહેરમાં નવા ચાર કોરોનાના કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ : નવો વેરિયન્ટ છે કે કેમ તેની તપાસ માટે નમુના લેબમાં મોકલ્યા 1 - image

image : Freepik

વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

શિયાળાની શરૂઆત સાથે દેશભરની સાથે ગુજરાતમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. નવા વેરીએન્ટે બધાની ચિંતા વધારી છે ત્યારે ચાલુ મહિને વડોદરા શહેરમાં કોરોનાના કુલ ચાર કેસ નોંધાયા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં ચારેય કોરોના કેસના વેરીએન્ટ જાણવા માટે તેના સેમ્પલ જીનોમ સીકવન્સ કરવા ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આ ચારેય દર્દીઓ નવા JN.1ના દર્દી છે કે નહીં? તે માલુમ પડી શકશે.

સામાન્ય રીતે કોરોના એક ટ્રાન્સમિટેડ રોગ છે. તે ક્રિસમસ અને ડિસેમ્બર મહિનામાં જ્યારે સૌથી વધુ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ થતું હોય છે જેના કારણે મોટેભાગે કોરોના કેસમાં ઉછાળો જોવા મળે છે. હાલ ક્રિસમસની રજાઓના કારણે વર્ષનું સૌથી મોટું માઈગ્રેશન શરૂ થયું છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ યથાવત હોવાથી કોરોના સ્પ્રેડિંગ વધવા લાગ્યું છે. હાલ સરકારે કોરોના અંગે માત્ર એડવાઈઝરી જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ પર કોઈ પ્રતિબંધ અમલ થાય તેવું હાલ જણાઈ રહ્યું નથી. તમામ સ્તરે વધતા કોરોના કેસ વચ્ચે વડોદરામાં ચાલુ મહિને કોરોનાના કુલ ચાર કેસ નોંધાયા છે. જેમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ ચારેય દર્દીઓની હાલત સ્થિર છે. ચાર દર્દીઓ પૈકી બે પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. જે ચાર દર્દીઓ નોંધાયા છે તે તારીખ 4 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 14 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીઓ પૈકી એક દર્દી 24 વર્ષ, બીજો 25 વર્ષ, ત્રીજો 43 વર્ષ અને અન્ય એક દર્દી 46 વર્ષનો છે. ચારે દર્દીઓ પૈકી બે દર્દીઓ માંજલપુર, એક ગોત્રી તથા અન્ય એક ગોકુલ નગર ખાતે તેમના ઘરે હોમ આઇસોલેશનમાં છે. પાલિકા દ્વારા નિયમિત રીતે તેઓનું હેલ્થ મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ચારે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હતા અને હાલ તમામની હાલત સ્થિર હોવાનું તબીબી રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે.

કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 વિશ્વકક્ષાએ ખૂબ ઝડપથી વધી રહ્યો છે

કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 છેલ્લા એક સપ્તાહમાં વિશ્વકક્ષાએ ખૂબ ઝડપથી વધી ગયો છે. તબીબોના કહ્યા મુજબ આના કેસમાં 3 ટકાથી સીધો 27 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તે ઓરિજિનલ એમીક્રોમનું મ્યુટેશન છે. જેનું નામ BA.2.86.1.1 છે. નવું વેરિયન્ટ JN.1 મહત્વનું એટલા માટે છે કે તે હાઈરીસ્ક છે. તેનું રેપ્લિકેશન (પોતાના જેવો નવો વાયરસ) ખૂબ ઝડપથી બનાવે છે અને એનો ફેલાવો પણ ખૂબ ઝડપથી થાય છે. જો કે તે સ્વાસ્થ્ય પર ઓછી અસર કરે છે. મોટેભાગે હોમ આઇસોલેશનથી  સાજા થઈ જવાય છે. WHOએ JN.1 વાયરસને VoI (વેરિયન્ટ ઓફ ઇન્ટ્રેસ્ટ) જાહેર કર્યું છે. જેને કારણે વિશ્વના તમામ તબીબો અને વૈજ્ઞાનિકો હવે આ વાયરસ સબંધી રસ લેવા લાગ્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં લક્ઝમ્બર્ગ ખાતે કોરોનાના નવા વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. હાલ આ કેસમાં ફ્રાન્સ (20%), યુ.એસ. (12%), સિંગાપોર (14%), કેનેડા (6%), યુ.કે. (6%) અને સ્વીડન (5%)માં સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ભારતમાં તારીખ 18 ડિસેમ્બરના રોજ કેરેલા ખાતે એનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. જે સિંગાપુરનો ટ્રાવેલર્સ હતો.

નવા વેરીએન્ટથી મરવાની શક્યતા ઓછી પરંતુ વધુ તકેદારી લેવાની જરૂરત

નવા વેરીએન્ટથી મરવાની શક્યતા ઓછી છે પરંતુ વધુ તકેદારી લેવાની જરૂરત છે. કોરોનાના નવા વેરીએન્ટ મોર્ટાલીટી રિસ્ક એટલે મરવાની શક્યતા ઓછી રહી છે પરંતુ ભૂતકાળમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અથવા વધુ ઉંમરની વ્યક્તિ છે અથવા તેઓના લંગ્સને અસર થઈ ચૂકી છે તેવી વ્યક્તિઓએ ખાસ તકેદારી લેવાની જરૂરત છે. મલ્ટીપલ કોમોર્બીલીટી એટલે કે જીઓને બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી સંખ્યાબંધ બીમારીઓ છે તેઓ પણ આ વેરિયન્ટથી ઝડપથી સંક્રમિત થઈ શકે તેવું અનુમાન છે. જે લોકોએ વેક્સિન લીધી છે તેઓ પણ એવું ન માને કે તેમને ફરી કોરોના નહીં થાય. તેઓને પણ આ વેરિયન્ટનો કોરોના લાગી શકે છે. આમ વેક્સિન લીધી છે તો કોરોના નહીં જ થાય એવું માનવું જરૂરી નથી.

કોરોના અંગે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ

કોરોનાના નવા વેરીએન્ટને કારણે કેસોમાં ઉછાળો આવતા વડોદરામાં સરકારી તંત્ર સતર્ક બન્યું છે. આ વચ્ચે વડોદરાની કેટલીક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે કોરોના અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં દવાઓના જથ્થા, બેડની સ્થિતિ, મેડિકલ સાધનોના સપ્લાય, સ્ટાફની હાજરી વગેરેની તપાસ કરાઈ હતી.


Google NewsGoogle News