સામૂહિક ચોરીનો મામલો, ચાર કર્મચારીઓએ પણ ચોરી કરાવી હોવાની કબૂલાત કરી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
સામૂહિક ચોરીનો મામલો, ચાર કર્મચારીઓએ પણ ચોરી કરાવી હોવાની કબૂલાત કરી 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની આનંદી ગામની બી એલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમાં ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં સામૂહિક ચોરીના ચકચારી મામલામાં કુલ મળીને નવ લોકોના નિવેદન લેવાયા હોવાની વિગતો સપાટી પર આવી છે.

મળતી વિગતો પ્રમાણે આ  ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા શાળાના આચાર્ય અને કેન્દ્ર સંચાલક વાસુદેવ પટેલે ઝેરી દવા પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.જેમની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દરમિયાન ડીઈઓ રાકેશ વ્યાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે,  ચોરીની વિગતો સપાટી પર આવ્યા બાદ જે નવ વ્યક્તિઓના નિવેદન લેવાયા હતા તેમાં આચાર્ય તેમજ ૬ સુપરવાઈઝર અને બે પટાવાળાનો સમાવેશ થતો હતો.આ પૈકી બે સુપરવાઈઝર અને બે પટાવાળાએ પણ પોતે ચોરી કરાવતા હોવાનુ કબૂલ્યુ છે અને અન્ય ચાર સુપરવાઈઝરે પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કરી દીધો છે.તેમના નિવેદન અને તપાસનો અહેવાલ ગુજરાત શિક્ષણ બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે.આ મામલામાં શું કાર્યવાહી કરવી તે અંગેનો નિર્ણય બોર્ડ સત્તાધીશો જ લેશે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, અગાઉના પેપરોમાં અને સ્કૂલના તમામ ૨૦ બ્લોકમાં ચોરી થવાની જાણકારી અમને આ નિવેદનોના આધારે મળી છે.જેના કારણે આ સ્કૂલના અત્યાર સુધીમાં લેવાયેલી તમામ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ફરી ચકાસણી કરવામાં આવશે.દરમિયાન સૂત્રોએ કહ્યુ હતુ કે, સામૂહિક ચોરીના મામલામાં સ્કૂલના બીજા પણ કેટલાક કર્મચારીઓના નિવેદન આગામી દિવસોમાં લેવામાં આવે તેવી શક્યતા છે.કારણકે ચોરી થઈ ત્યારે ૨૦ કર્મચારીઓ ફરજ બજાવતા હતા.

માત્ર સીસીટીવી પૂરતા નથી, અગાઉની જેમ જિલ્લા કક્ષાએ ચેકિંગ માટે સ્કવોડ પણ જરુરીે

શિનોર તાલુકાના આંનદી ગામની આનંદી ગામની બી એલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમાં સામૂહિક ચોરીની ઘટનાએ ફરી પૂરવાર કર્યુ છે કે, બોર્ડ પરીક્ષાઓમાં માત્ર સીસીટીવીની વ્યવસ્થા પૂરતી નથી.અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં સામૂહિક ચોરીની ઘટનાઓ દર વર્ષે રાજ્યમાં બનતી રહે છે ત્યારે અગાઉની જેમ જિલ્લા કક્ષાએ સ્કવોડની રચના થવી જોઈએ તેવુ ઘણા શિક્ષકોનુ અને આચાર્યોનુ માનવુ છે.પહેલા દરેક જિલ્લામાં સંખ્યાબંધ સ્કવોડની રચના કરાતી હતી.બોર્ડ પરીક્ષામાં આ સ્કવોડ દ્વારા શહેર અને ગ્રામ્ય એમ બંને વિસ્તારોમાં ચેકિંગ કરાતુ હતુ.કઈ સ્કવોડ ક્યાં ચેકિંગ કરશે તે નક્કી કરવા માટે રોજે રોજ ચીઠ્ઠી ઉછાળીને ડ્રો કરાતો હતો.સીસીટીવી ફરજિયાત કરવામાં આવ્યા બાદ જિલ્લા કક્ષાએ સ્કવોડની રચના કરવાનુ બંદ કરી દેવાયુ હતુ પણ એવુ લાગે છે કે, સીસીટીવીની સાથે સાથે સ્કવોડનુ ચેકિંગ થાય તે પણ જરુરી છે.


Google NewsGoogle News