બોટ દુર્ઘટના કાંડમાં પકડાયેલા આરોપી ધર્મિન બાથાણીના વધુ ચાર દિવસના રિમાન્ડ
ધર્મિને મોબાઇલ થાઇલેન્ડ મૂકી આવ્યાનું પોલીસને જણાવ્યું પણ તેના બનેવીએ પોલીસ સમક્ષ ફોન રજૂ કર્યો
વડોદરા,હરણી લેકઝોનમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ૧૪ના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટ અને ડોલ્ફિન એન્ટરટેઇન્મેન્ટના ભાગીદારોની ધરપકડ થઇ હતી. આ કેસમાં પકડાયેલા આરોપી ધર્મિના બાથાણીના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હરણી લેકઝોનમાં બોટિંગ સહિતની એક્ટિવિટી માટે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરીને બારોબાર નિલેશ જૈનની ડોલ્ફિન એન્ટરટેઇન્મેન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો હતો. આ કરારમાં પરેશ શાહના પુત્ર વત્સલ શાહની સાથે ધર્મિન ધિરજભાઇ બાથાણી (રહે. અમી સોસાયટી, સનસાઇન હોસ્પિટલની સામે,માંજલપુર) ની પણ સહી હતી. પોલીસે ધર્મિનની ગત તા.૧૭ મી એ ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી નિવેદનો વારંવાર બદલી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. મોબાઇલ ફોન થાઇલેન્ડ મૂકી આવ્યો હોવાનું આરોપી જણાવતો હતો. પરંતુ, તેના બનેવીએ ૨૨ મી તારીખે મોબાઇલ ફોન રજૂ કર્યો હતો. મોબાઇલ તેના બનેવી પાસે ક્યાંથી આવ્યો ? તથા ફોનના ડેટા બાબતે આરોપીને સાથે રાખીને તપાસ કરવાની છે. આરોપીએ થાઇલેન્ડથી પરત આવવા માટે તા. ૨૮ મી જાન્યુઆરીની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ, તે ૨૮ મી તારીખે પરત આવ્યો નહતો. તે અંગે તપાસ કરવાની છે. આરોપીને ભાગવા માટે કોણે મદદ કરી હતી ? તે અંગે હજી તપાસ બાકી છે. કંપનીના વહીવટો બાબતે હજી જણાવતો નથી. કોર્ટે આરોપીના આગામી મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.