હરણી બોટકોંડમાં ફરાર સૂત્રધાર નિલેશ જૈન ઉપરાંત ભાગીદાર જતીન દોશી અને બે પુત્રવધૂ પકડાયા
વડોદરાઃ હરણી તળાવમાં બોટ પલટી જવાના બનેલા ગોઝારા બનાવની તપાસ કરતી સિટ દ્વારા ફરાર થયેલા નિલેશ જૈન સહિત વધુ ચારને ઝડપી પાડયા છે.
હરણી લેકઝોનમાં પિકનિક પર ગયેલા બાળકોની બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝરના મળી કુલ ૧૪ના મોત નીપજ્યાં હતા.જે બનાવમાં કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોની ગંભીર બેદરકારી આવતાં તેમની સામે મનુષ્ય વધુનો ગુનો નોંધાયો હતો.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એડિ. કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષ પદે સિટ ની રચના કરી હતી.
બોટ કાંડમાં પોલીસે અત્યારસુધી પોલીસે કુલ ૯ જણાની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર લીધા છે.આ પ્રકરણમાં આજે વધુ એક સંચાલક નિલેશ જૈનને પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે,એક જ પરિવારના અન્ય ત્રણ ભાગીદારો સસરા અને બે પુત્રવધૂની પણ ધરપકડ કરવામાં આવી છે.
આમ,અત્યાર સુધી બોટકાંડમાં પકડાયેલાઓની સંખ્યા ૧૩ ઉપર પહોંચી છે. જ્યારે,ફરાર થઇ ગયેલા કોટિયા પ્રોજેક્ટના બાકીના છ ભાગીદારોને શોધવા માટે ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળની ટીમો જુદાજુદા રાજ્યોમાં ફરી રહી છે.
બોટકાંડમાં પકડાયેલા આરોપીઓના નામ અને ભૂમિકા
નામ સરનામું ભૂમિકા
નિલેશ કાન્તિલાલ જૈન સહયોગ ઓલિવીયા એપાર્ટમેન્ટ મુખ્ય સંચાલક
જતીન હિરાલાલ દોશી(સસરા) અયોધ્યાપુરી સો.ભાદરવા,તા.સાવલી 5 ટકા ભાગ
તેજલ આશિષ દોશી (પુત્રવધૂ) વ્રજવિહાર સો.,હરણી એરપોર્ટ સામે 5 ટકા ભાગ
નેહા દીપેન દોશી (પુત્રવધૂ) રાજેશ્વર પ્લેનેટ,ટાવર-૧૦,હરણી 5 ટકા ભાગ
સૂત્રધાર નિલેશ જૈન ઇન્દૌરથી ભાવનગર જતો હતો ત્યારે પકડાઇ ગયો
જતીન દોશી બે પુત્રવધૂ સાથે પુત્રના દવાખાને આવતાં જ ત્રણેય પકડાયા
બોટ કાંડમાં પકડાયેલા ચાર ભાગીદારોની પાછળ પોલીસ હાથ ધોઇને પડતાં તક મળતાં જ ચારેય પકડાઇ ગયા હતા.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે, હરણી લેકઝોનનો મુખ્ય વહીવટદાર નિલેશ જૈન છોટાઉદેપુર ભાગ્યો હતો અને ત્યાંથી ઇન્દૌર ગયો હતો.પોલીસ તેનો પીછો કરી રહી હોવાથી તે ઇન્દૌરથી ભાવનગર જતો હતો.વડોદરા પોલીસની ટીમે તેને વટામણ ચોકડી પાસે જ ઝડપી પાડયો હતો.
આવી જ રીતે કુલ રૃ.દોઢ કરોડનું રોકાણ કરી ૧૫ ટકા ભાગ રાખનાર ૭૦ વર્ષીય જતીન દોશી અને તેની બે પુત્રવધૂ તેજલ દોશી તેમજ નેહા દોશી રાજસ્થાનમાં રોકાયા હતા.તેઓ હરણી રોડ પર ક્લિનિક ધરાવતા પુત્ર આશિષના ક્લિનિક પર આવતાં જ ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા.
નિલેશ જૈનને પરેશ શાહે ભાગીદારી માટે તૈયાર કર્યો,નિલેશ રાઇડ્સ લઇ આવ્યો
વડોદરા નજીક એડવેન્ચરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નિલેશ જૈનને લેકઝોનનો કોન્ટ્રાક્ટ રાખનાર પરેશ શાહે ભાગીદારી માટે તૈયાર કર્યો હતો.
હરણી લેકઝોનમાં બોટિંગ અને રાઇડ્સ માટે આયોજન કરવામાં આવ્યું હોવાથી સૂત્રધાર પરેશ શાહે નિલેશ જૈનનો સંપર્ક કર્યો હતો.નિલેશને પાંચ ટકાનો ભાગીદાર બનાવી મુખ્ય વહીવટદાર બનાવવામાં આવ્યો હતો.
નિલેશ જૈન રાઇડ્સ લઇને આવ્યો હતો. સંચાલકોની સાધનો અને કર્મચારીઓ પ્રત્યેની બેદરકારીને કારણે સમગ્ર બોટકાંડ સર્જાયો હતો.