પાદરાના શાણપુર ગામ નજીક દારૃની મહેફિલ માણતા પિતા - પુત્ર સહિત ચાર ઝડપાયા
દારૃની બોટલ, બિયરના ટીન, મોબાઇલ, બાઇક અને પીકઅપ વાન સહિત ૭.૬૬ લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા,બાબરી પ્રસંગે પાદરા તાલુકાના મોભા ગામે આવેલા પિતા - પુત્ર સહિત ચાર વ્યક્તિઓ દારૃની મહેફિલ માણતા ઝડપાઇ ગયા હતા. વડુ પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, શાણપુર ગામની સીમમાં શાણપુરથી વણછરા જતા રોડ નજીક ભાણપુર ગામમાં જવાના રોડની સામે પડતર જગ્યામાં ઝાડી ઝાંખરાની આડમાં કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા આરોપીઓ ભાગવા લાગ્યા હતા. પરંતુ, પોલીસે પીછો કરીને તમામ ચાર નશેબાજોને ઝડપી લીધા હતા. જેમાં (૧) કમલેશ પ્રભાતસિંહ મકવાણા (૨) પાર્થ કનુભાઇ મકવાણા (૩) પાર્થના પિતા કનુ ફતેસિંહ મકવાણા ( ત્રણેય રહે. અંપાડ ગામ, મુખીવાળું ફળિયું, તા. વડોદરા) તથા (૪) વિનોદસિંહ કેશરીસિંહ રાજ ( રહે. માસર રોડ, આંટા ફળિયું, તા. પાદરા) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી દારૃની બોટલ, બિયરના ટીન,મોબાઇલ ફોન, બાઇક અને પીકઅપ વાન મળી કુલ રૃપિયા ૭.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, નશેબાજો મોભા ગામે બાબરી પ્રસંગે આવ્યા હતા. ત્યાંથી તેઓ દારૃ પીવા માટે શાણપુર આવ્યા હતા. તે દરમિયાન પોલીસની રેડ પડતા ઝડપાઇ ગયા હતા.