માણસામાં ચાર , દહેગામમાં અઢી, ગાંધીનગરમાં એક ઇંચ વરસાદ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
માણસામાં ચાર , દહેગામમાં અઢી, ગાંધીનગરમાં એક ઇંચ વરસાદ 1 - image


માણસા તાલુકામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ

કલોલ- ગાંધીનગર તાલુકામાં પોણા ઇંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર : ખરીફ પાકને ફાયદો

ગાંધીનગર,માણસા :  છેલ્લા ૨૪ કલાક દરમિયાન માણસા તાલુકામાં ચાર ઇંચ, દહેગામ તાલુકામાં અઢી ઇંચ અને રાજ્યના પાટનગરમાં એક ઇંચ  વરસાદ ખાબકી ચુક્યો છે.વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ઈટાદરા, સોલૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારો અને માણસા શહેરમાં અનેક જગ્યાએ માં તો ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. બીજી બાજુ માણસા-ગાંધીનગર હાઈવે પર વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખવા મજબૂર બન્યા હતા.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો.તો બીજી તરફ અન્ય જિલ્લાઓ કરતા ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી જોઈએ તે પ્રકારે વરસાદ પડયો નથી.ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દસ દિવસના વિરામ બાદ વરસાદ પડયો હતો.બીજી તરફ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જે અંતર્ગત છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે. સોમવારે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો.તો દહેગામ માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદની અવિરત ગતિ સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહી હતી.તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ સોમવારે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.તો બીજી તરફ જિલ્લાના દહેગામ અને કલોલ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે વરસાદ પડયો છે.દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે ગાંધીનગર અને કલોલ તાલુકામાં પોણા ઇંચથી વધુ વરસાદ પડયો છે. સવારે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે. ત્યારે ગાંધીનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ ચાલુ રહ્યો હતો.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા.તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી.તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Google NewsGoogle News