હાલોલ નજીક ઘનસરવાવ ગામની પ્રાથમિક શાળાના રસોડામાં કૂકર ફાટતાં ધો-૬ની ચાર વિદ્યાર્થિનીઓ દાઝી
વિદ્યાર્થિનીઓની સારવાર કરાવવાના બદલે શિક્ષકોએ ઠંડુ પાણી રેડયું ઃ વિદ્યાર્થિનીઓ પાસે રસોડામાં કામ તેમજ શાળામાં સાફસફાઇ કરાવાતી હોવાના આક્ષેપ
હાલોલ તા.૨૭ હાલોલ નજીક આવેલી ઘનસરવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જતી વિદ્યાર્થિનીઓ પાસે મધ્યાહન ભોજનમાં મદદ લેવાતી હોવાનું તેમજ શાળામાં સફાઈનું કામ કરાવવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે આજે મધ્યાહન ભોજનનું કામ કરાવવામાં આવતું હતું ત્યારે શાળાના રસોડામાં કૂકર ફાટવાથી ચાર વિદ્યાર્થિનીઓ દાઝતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
એક બાજુ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને બીજી બાજુ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. ઘનસરવાવ ગામની પ્રાથમિક શાળામાં આજે મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી બનાવાતી હતી. શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી ચાર વિદ્યાર્થિનીઓ પાસે શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવામાં મદદ લેવાતી હતી. તે દરમ્યાન રસોડામાં પ્રેશર કૂકર ફાટતાં રસોડામાં કામ કરતી ચાર વિદ્યાર્થિનીઓ ઉપર ગરમ દાળ ઉડતા વિદ્યાર્થિનીઓ દાઝી ગઇ હતી.
શાળાના રસોડામાં આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીઓએ રોકકળ મચાવી હતી પરંતુ શિક્ષકોએ યોગ્ય સારવાર આપવાના બદલે વિદ્યાર્થિનીઓ શરીર પર જ્યાં દાઝી હતી ત્યાં ઠંડુ પાણી રેડીને પ્રાથમિક સારવાર આપીને મામલાને દાબી દેવાનો પ્રયત્ન કરાયો હતો. એક વિદ્યાર્થિનીની માતા શાળાએ અચાનક પહોંચતા સમગ્ર બાબતની જાણ થઇ હતી અને બાદમાં અન્ય વાલીઓને પણ થતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.
વિદ્યાર્થિનીઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યૂલન્સને જાણ કરતાં આખરે વિદ્યાર્થીનીઓને સારવાર માટે લઇ જવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા હતાં કે શાળામાં શિક્ષકો દ્વારા ચાર ચાર વિદ્યાર્થિનીઓની ટીમો બનાવવામાં આવી છે. જેઓ પાસે વારાફરતી મધ્યાહન ભોજન માટે રસોડામાં મદદમાં મોકલવામાં આવે છે અને શાળામાં કચરા-પોતું તથા સાફ સફાઈ જેવી કામગીરી પણ કરાવાય છે. શાળામાં શિક્ષકો દ્વારા થતી હેરાનગતી બાદ કેટલાંક વાલીઓ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતાં.