વધતી ગરમીમાં મહિલા, સિનિયર સિટિઝન સહિત ચારના મોત
સલાટવાડાના પ્રૌઢને સારવાર માટે સયાજીના હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા
વડોદરા,વધતી જતી ગરમીમાં સિનિયર સિટિઝન, મહિલા અને યુવાનના મોત થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ચાર વ્યક્તિઓના મોત થયા છે. જે પૈકી બે ના મોત ગરમીના કારણે થયા હોવાનું અનુમાન છે.
દુમાડ ગામ બસ સ્ટેન્ડ પાસે રામદેવ ફળિયામાં રહેતા વિકાસકુમાર ઇશ્વરભાઇ પરમાર ( ઉં.વ.૪૧) આજે સવારે પોતાના ઘરે ચક્કર ખાઇને ઢળી પડતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.
અન્ય એક બનાવમાં વારસિયા વાસવાણી કોલોનીમાં રહેતા ૬૫ વર્ષના તુલસીબેન ગુલાબસિંહ દેવરલાલનું ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ઘરે તેઓનું મોત થયું હતું. ગરમીના કારણે તેઓનું અવસાન થયું હોવાનું અનુમાન છે.
સલાટવાડા રેનબસેરામાં રહેતા ૫૦ વર્ષના સુરેશભાઇ મોતીભાઇ રાજપૂતને ચાર દિવસથી તાવ આવતો હતો. ગઇકાલે તેઓે ચક્કર આવ્યા પછી બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હીટ સ્ટ્રોકની અસર જણાતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓનું મોત થયું છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા ૩૭ વર્ષના શંકરભાઇ મંગલભાઇ કનોજીયાને ત્રણ દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. દર્દી સારવાર હેઠળ છે.
હરણી રોડ મારૃતિધામ ડૂપ્લેક્સમાં રહેતા ૬૦ વર્ષના મધુબાલા કલ્યાણજી ચાવડા આજે સવારે સવા સાત વાગ્યે ઘરેથી બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
હીટ વેવના ૧૮ દર્દીઓ સયાજીમાં સારવાર હેઠળ
વડોદરા,છેલ્લા ૨૪કલાક દરમિયાન સયાજી હોસ્પિટલમાં હીટ વેવની અસરથી બીમાર પડનાર વધુ ચાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. હાલમાં આ વોર્ડમાં કુલ ૧૮દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૪ પુરૃષ અને ૪ મહિલાઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૭ દર્દીઓને બી.પી. અને ડાયાબિટીસની બીમારી છે. જ્યારે અન્ય ૪ દર્દીઓને કોઇ બીમારી નથી. બે દર્દીઓ વેન્ટિલેટર પર છે.