Get The App

વડોદરામાં ચાર દિવસ પહેલાં જ લેવલિંગ વગરનો રોડ બનતા વરસાદી પાણી ભરાયું

કારેલીબાગ વીઆઇપી રોડ ઉપર બ્રાઇટ સ્કૂલા ખાંચામાં બે ડઝન સોસાયટીઓની સમસ્યા

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચાર દિવસ પહેલાં જ લેવલિંગ વગરનો રોડ બનતા વરસાદી પાણી ભરાયું 1 - image


વડોદરા : શહેરમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રૃપિયાના રોડ બન્યા છે પરંતુ વરસાદ આવતા જ 'તકલાદી વિકાસનો વિનાશ' થઇ ગયો છે. આખા શહેરમાં રોડ રસ્તાઓ ઉપર ભુવા-ગાબડા પડી ગયા છે. ઠેર ઠેર રોડ બેસી ગયા છે તો અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો છે. વિકાસના કામોના પગલે કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટરો સાથે સંકળાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓના ખિસ્સા ભરાયા જ્યારે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.

કારેલીબાગ વીઆઇપી રોડ ઉપર બ્રાઇટ સ્કૂલના ખાંચામાં વૃંદાવન પાર્ક, પાયલ પાર્ક, પલ્લવ પાર્ક, મારૃતિધામ,આકાશગંગા, શ્રીજી ચરણ, કલાકુંજ, આદિનાથ સહિત બે ડઝનથી વધુ સોસાયટીઓ આવેલી છે. વીઆઇપી રોડથી અંદર આ સોસાયટીઓમાં પહોંચવા માટેના રસ્તાઓ ઉપર ચાર દિવસ પહેલા જ રિકાર્પેટિંગની કામગીરી એટલે કે નવો રોડ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન શનિવારે વરસાદ પડતા આ રોડ ઉપર અનેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો છે. કેટલાક ઠેકાણે તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે. 

વગદાર લોકોના ઘર પાસે વધુ ડામર નાખીને રોડ ઊંચો બનાવવામાં આવ્યો, અનેક વખત રોડ બન્યો હોવાથી લેવલ ઊંચુ જતા ઘરોમાં પાણી ભરાય છે

વૃંદાવન સોસાયટીમાં રહેતા વૈશાલ શર્મા કહે છે કે 'અમારી સોસાયટીઓમાં અનેક વખત રોડ બને છે પણ થિંગડા મારવામાં આવે છે. હમણાં ચાર દિવસ પહેલા પણ રોડ બનાવવામાં આવ્યો, પરંતુ તે ટૂકડે ટૂકડે થિંગડા મારીને બનાવાયો. વગદાર લોકોના ઘર પાસે વધુ ડામર નાખીને રોડ ઊંચો બનાવી દીધો છે. રોડનું લેવલિંગ જ કરવામાં આવ્યું નથી એટલે અડધો ઇંચ વરસાદ પડતા જ પાણી ભરાઇ ગયા. આ રોડ અનેક વખત બનાવવામાં આવ્યો હોવાથી લેવલ ઊંચુ આવી ગયુ છે, એટલે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે.  મ્યુનિસિપલ કોર્પોરેશનમા અનેક વખત ફરિયાદો કરી, પણ કોઇ સાંભળવા તૈયાર નથી.

મ્યુ.કોર્પોરેશનની હેલ્પ લાઇન ઉપર જવાબ મળ્યો કે અમે રોડની ફરિયાદ નોંધતા નથી તમારે ફરિયાદ કરવી હોય તો વોર્ડ ઓફિસમાં કરો, ગૂગલ કરીને વોર્ડ ઓફિસરનો નંબર જાતે શોધી લો

વૃંદાવન પાર્કમાં રહેતાં વૈશાલીબેન શર્મા કહે છે કે 'અમારા વિસ્તારમાં રોડની કામગીરી શરૃ કરવામાં આવી ત્યારે મારાં ધ્યાન ઉપર આવ્યું કે રોડનું લેવલ કરવામાં આવતુ નથી પણ સ્થળ ઉપર રોડ શાખાના અધિકારીઓ, સુપરવાઇઝરો કે એન્જિનિયરો કોઇ હાજર હોતુ નથી. મજુરોના ભરોસે જ કામ કરવામાં આવે છે એટલે મેં પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની  હેલ્પ લાઇન ઉપર ફોન કરીને ફરિયાદ લખાવી તો મને જવાબ મળ્યો કે અમે રોડની ફરિયાદ નથી નોંધતા. તમારે ફરિયાદ કરવી હોય તો તમારા વોર્ડમાં જઇને કરો. મેં તેમની પાસે અમારા વોર્ડ નં.૩ ના અધિકારીનો અને વોર્ડ ઓફિસનો નંબર માગ્યો તો મને કહ્યું કે ગૂગલ કરીને વોર્ડ ઓફિસરનો નંબર જાતે શોધી લો. મારો સવાલ એ છે કે જો નાગરિકોને કોઇ હેલ્પ જ કરવાની ના હોય તો પછી હેલ્પ લાઇન નંબર શાના માટે રાખવામાં આવ્યો છે ?


Google NewsGoogle News