ઘોઘંબા તાલુકામાં ગજાપુરા ગામ પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ચાર માસૂમોના મોત

તળાવ નજીકના ખાડામાં નાહવા પડયા બાદ બારીયા કુંટુંબના ચારેય બાળકો પાણીમાં ગરકાવ ઃ ગામમાં શોકનો માહોલ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ઘોઘંબા તાલુકામાં  ગજાપુરા ગામ પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ચાર માસૂમોના મોત 1 - image

ગોધરા તા.૨૬ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આવેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં આજે સવારે રમતા રમતા નાહવા માટે પડેલા ચાર બાળકોના ડૂબી જતા કરૃણ મોત થયા હતા. એક જ ગામના ચારેય બાળકોના મોત થતા ગામમાં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તરવૈયાઓની મદદથી ચારેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયા હતા.

આ દર્દનાક ઘટનાને પગલે નાનકડા ગજાપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ચારેય બાળકો એક જ બારીયા પરિવારના કૌટુંબિક હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો અને તેમના પરિવારજનોને થતા પરિવારના સભ્યો સહિત ગ્રામજનો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. એક સાથે ચારે બાળકોના મૃતદેહો બહાર કાઢતા પરિવાર ભાંગી પડયો હતો.આ ઘટનાએ હસતા પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી તો બીજી તરફ પાણી પુરવઠા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

તળાવ નજીક પાણી પુરવઠા યોજના અંતર્ગત કૂવો અને ટાંકી બનાવવામાં આવી રહી છે.પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ દરમિયાન ખાડા ફરતે બેરિકેડિંગ કરવામાં નહીં આવતા કોન્ટ્રાકટરની બેદરકારી બહાર આવી છે અને આ ધટના એના લીધે બની હોવાના આક્ષેપો થયા  હતાં. મૃતકોમાં  સંજયસિંહ વીરાભાઈ બારીયા અને પરષોતમ રાજુભાઈ બારીયા એકના એક જ સંતાન હતા. પાણીમાં ડૂબી ગયેલા પુત્રને ખોળામાં મૂકી માતાએ હૈયાફાટ રૃદન  કરતા વાતાવરણ ગમગીનીભર્યુ બની ગયું હતું. 




Google NewsGoogle News