મહેમદાવાદમાં રૂ.1.2 લાખના દારૂ સાથે ચાર બુટલેગરો ઝડપાઇ ગયા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મહેમદાવાદમાં રૂ.1.2 લાખના દારૂ સાથે ચાર બુટલેગરો ઝડપાઇ ગયા 1 - image


સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

૧૩ વાહનો સહિત ૨૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત,૧૧ સામે ગુનો નોંધાયો

નડિયાદ: ગાંધીનગર સ્ટેટ મોનેટરિંગ સેલ ટીમે  મહેમદાવાદ વહેરાઈ ફળિયામાં દરોડો પાડી વિદેશી દારૂની ૫૫૦ બોટલ, કિંમત રૂ.૧,૦૨,૨૩૦ , તેમજ રોકડ રૂ.૬,૪૩,૦૦૦ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડયા હતા. જ્યારે સાત શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વિદેશી દારૂ, રોકડ તેમજ ૧૩ વાહનો મળી કુલ રૂ.૨૧,૩૧,૩૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને બાતમી મળી હતી કે, મહેમદાવાદ વેરાઈ માતાના મંદિર પાસે વેરાઈ ફળિયામાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાય છે. જેથી પોલીસે દરોડો પાડતા ટી સ્ટોલ પાસે લીમડાના ઝાડ નીચે બેઠેલા લોકોએ નાસભાગ કરી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા અશોકભાઈ શનાભાઈ સોઢા પરમાર, શનાભાઈ કાભઈભાઈ ગોહિલ અને દીપક ઉર્ફ દિપો બચુભાઈ સોઢા પરમાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક આરોપી પોતાની જાતે હાજર થઈ ગયો હતો.

તેમની અંગજડતીમાં પાંચ મોબાઈલ, વિદેશી દારૂના વેચાણના રૂ.૬,૪૩,૧૩૦ મળી આવ્યા હતા. અશોકની પૂછપરછમાં બે મકાનોમાં વિદેશી દારૂ છુપાયું હોવાનું જણાવતા પોલીસે બન્ને મકાનની તલાસી લેતા વિદેશી દારૂની ૫૫૦ નંગ બોટલો,કિંમત રૂ.૧,૦૨,૨૩૦ નો જથ્થો,  નવ ટુવ્હિલર, બે  કાર તેમજ ડીપફ્રીઝર મળી કુલ રૂ.૨૧,૩૧,૩૬૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા દિપક ઉર્ફ દીપા એ રૂ.૪૦૦ માં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. 

આ દરમિયાન બુટલેગર અશોકનો છોકરો જીગ્નેશ સોઢા પરમાર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ ચારે શખ્સોની પૂછ પરછમાં અશોકભાઈના ત્રણ દીકરા જીગ્નેશ, વિશાલ અને તુષાર દારૂનો વેપાર કરે છે. જ્યારે પ્રજ્ઞોશ રમેશ સોઢા પરમાર, રંજનબેન અશોક સોઢા પરમાર તથા ભરત કિશન સોઢા પરમાર મારફતે દારૂનું વેચાણ કરાવે છે. આ દારૂનો જથ્થો નડિયાદનો બુટલેગર ઈકબાલખાન ઉર્ફ મુન્નો બચુખાન પઠાન પૂરો પાડતો હોવાનું જણાવ્યું હતું. આમ વિદેશી દારૂની હેરાફેરીમાં સાત આરોપીઓ વોન્ટેડ દર્શાવ્યા છે. આ અંગે સ્ટેટ મોનેટરીંગ સેલ, ગાંધીનગરની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ૧૧ શખ્સો  સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News