Get The App

વડોદરામાં બુટલેગરની હત્યાના કિસ્સામાં ચાર હુમલાખોરની અટકાયત

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં બુટલેગરની હત્યાના કિસ્સામાં ચાર હુમલાખોરની અટકાયત 1 - image

image : Freepik

Murder Case in Vadodara : વડોદરામાં બુટલેગર યુવકને આપેલી ધમકી સાચી પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી કામ અર્થે બહાર નિકળેલા યુવક બુટલેગરને જાહેરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો છે. યુવકે લગ્ન કર્યા બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો તેના ભાઇએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ચાર વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

વડોદરાના કુંભારવાડા પોલીસ મથકમાં અબ્દુલસિરાજ મોહમ્મદસુલેમાન શેખ (રહે. સયાજીનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 જુનના રોજ તેમનો ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રીના 9 વાગ્યે તેના ટુ-વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન તેઓ ઘરે હતા. તેવામાં પોણા અગિયાર વાગ્યે મિત્ર આરીફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાઇ ચંદુને શેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઇએ ચપ્પુ માર્યું છે. જેથી તેઓ તાત્કાલીક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર લોકટોળા ભેગા થયેલા હતા. તેઓના ભાઇને મારનારાઓ સ્થળ પરથી ફરાર હતા. અને ભાઇને ગળા, હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું. 

જેથી તેને રીક્ષામાં લઇને એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. તેવામાં પોલીસે સીસીટીવી ફૂટેજ બતાવતા ભાઇ અબ્દુલ સાજીદ પેટ્રોલ પંપ આગળ 10 વાગ્યાના આરસામાં યુસુફભાઇ ઉર્ફે ચીડી સાથે ઉભો હતો. તે વખતે અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) એ ટુ વ્હીલર પર આવીને અબ્દુલ સાજીદને પાડી દઇ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. 

અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુએ કાસમભાઇની દીકરી શબનમ સાથે લગ્ન કર્યા હતા. જે બાબતે બકરી ઇદના ચાર દિવસ પહેલા શબનમના ભાઇઓએ અમારા ઘરની સામે મારા ભાઇને ધમકી આપી હતી કે, મારી બહેનને પાછી આપી દે, નહી તો બકરી ઇદ પછી બકરાની જેમ તને પણ હલાલ કરી નાંખીશું. અને જતા રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં વેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.


Google NewsGoogle News