ભાજપના સસ્પેન્ડેડ નગરસેવકને છોડાવવાના ગુનામાં ચાર ઝડપાયા
લઘુમતિ કોમના ચારે શખ્સો સાપુતારાથી પકડાયા
આણંદની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનારા દીપુ પ્રજાપતિને હુમલો કરી ઘરમાંથી છોડાવી ગયા હતા
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૬ના નગરસેવક દીપુ પ્રજાપતિ એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા રંગે હાથ ઝડપાઈ ગયા બાદ સ્થાનિકોએ તેને માર મારી ઘરમાં પૂરી દીધો હતો. જે અંગે દીપુ પ્રજાપતિના ભાઈઓને જાણ થતા બે ભાઈઓ સહિતના સાતેક જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને મારામારી કરી નગર સેવકને છોડાવી લઈ ગયા હતા. આ ઘટનામાં શહેર પોલીસે નગરસેવકના બંને ભાઈઓ ભરત પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં અન્ય શખ્સોના નામ ખુલવા પામ્યા હતા. જો કે, તેઓ ફરાર થઈ ગયા હોવાથી તેમનું પગેરું દબાવતા ફરાર શખ્સો સાપુતારા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની એક ટીમ સાપુતારા ખાતે પહોંચી હતી અને સોહિલબેગ મહેબૂબબેગ મિર્ઝા, રમીઝભાઈ ઉર્ફે બોખો રફિકભાઈ મલેક, શહેઝાદ ઉર્ફે બબુ સલીમભાઈ મેમણ અને સદ્દામમીયા ઉર્ફે તોસીફ યાસીન મિયા મલેકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.