ઓનલાઇન ટ્રેડ માટે 4000 ડમી સિમકાર્ડ ઇસ્યુ કરનાર ગેંગના વડનગરથી ચાર સાગરીતો પકડાયા
વડોદરાઃ ઓનલાઇન ટ્રેડના નામે ડમી સિમકાર્ડ ઇસ્યુ કરી શેરબજારમાં ઉંચો નફો અપાવવાની લાલચમાં લોકોને ધૂતી લેતી ગેંગના ત્રણ સાગરીતો પકડાયા બાદ વધુ ચાર સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ ચારેય સાગરીતો ગ્રાહકોના ડેટા મેળવી કોલ કરી રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતા હોવાની વિગતો બહાર આવી છે.નોંધપાત્ર વાત એ છે કે,પકડાયેલા ચારેય જણા ધોરણ-10 અને 12 સુધી ભણેલા છે.
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ વરાટને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઉંચો નફો અપાવવાના નામે રૃ.૧૨ લાખ પડાવી લેનાર ટોળકી સામે વડોદરા સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયા અને ટીમે તપાસ કરતાં ઓનલાઇન ટ્રેડના નામે ઠગાઇ કરવા માટે ડમી સિમકાર્ડ અને બેન્ક એકાઉન્ટ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સાયબર સેલે બેન્ક એકાઉન્ટ અને સિમકાર્ડની ડીટેલને આધારે મહેસાણા અને આસપાસના વિસ્તારના ગ્રાહકોના ડેટા તેમજ પુરાવા મેળવી ડમી સિમકાર્ડ ઇસ્યુ કરનાર ગેંગના રિન્કેશ ગોસ્વામી,ક્રિષ્ણાકુમાર અને હર્ષ ચૌધરીને ઝડપી પાડયા હતા.તેમની તપાસ દરમિયાન ૪ હજાર થી વધુ ડમી સિમકાર્ડ ઇસ્યુ કરાવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.
વધુ તપાસ દરમિયાન પોલીસે શેરબજારના નફાને નામે ગ્રાહકો સાથે વાતચીત કરી રૃપિયા ટ્રાન્સફર કરવા માટે તેમને તૈયાર કરતા તેમજ આવા ગ્રાહકોના ડેટા એકત્રિત કરતા વધુ ચાર સાગરીતોને વડનગર ખાતેથી ઝડપી પાડયા છે.
પકડાયેલા આરોપીઓની કૌભાંડમાં ભૂમિકા
(૧) શૈલેષ ભરતજી ઠાકોર(સબલપુરા, વડનગર)માસ્ટર માઇન્ડ રિન્કેશ ગોસ્વામી પાસે કિરણજી ઠાકોર મારફતે સિમકાર્ડ મેળવી માણસો પાસે ગ્રાહકોને કોલ કરાવતો હતો.
(૨) વિક્રમજી ભરતજી ઠાકોર(સુલતાન પુરા,વડનગર)- મોબાઇલ ડિસ્ટ્રિબ્યુટર પાસે બ્લેકમાં ડમી સિમકાર્ડ મેળવી માણસોને ગ્રાહકોના કોન્ટેક્ટ નંબર આપી ફોન કરાવતો હતો.
(૩) કિરણજી ચંદુજી ઠાકોર(ેસાબલીયા ગામ,વડનગર)- છ મહિના પહેલાં રિન્કેશ સાથે સંપર્ક થયો હતો.રૃ.૭૦૦માં સિમકાર્ડ મેળવી શૈલેષ ઠાકોરને રૃ.૯૦૦માં આપતો હતો.
(૪) વિરમજી દિવાનજી ઠાકોર(સુલતાન પુરા,વડનગર)-વિક્રમના હાથ નીચે પગાર પર કામ કરતો હતો.
શૈલેષ અને વિક્રમે પગારદાર માણસો રાખ્યા હતા
શૈલેષ ઠાકોરે ૧૫ જેટલા અને વિક્રમ ઠાકોરે પાંચ માણસો પગાર પર રાખ્યા હતા.બંને જણા સોશ્યલ મીડિયા પરથી ગ્રાહકોના નામ અને કોન્ટેક્ટ નંબર મેળવતા હતા અને માણસો મારફતે ફોન કરાવી શેર બજારમાં રોકાણ માટે તૈયાર કરાવતા હતા.તેઓ માણસોને રૃ.૧૫ થી ૨૫ હજાર સુધી પગાર આપતા હતા.