આરટીઈ હેઠળ પ્રવેશ માટે 14 માર્ચથી ફોર્મ ભરી શકાશે, વડોદરામાં 3500 બેઠકો પર પ્રવેશ અપાય તેવી શક્યતા
વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
2024-25ના શૈક્ષણિક વર્ષમાં રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ ધો.1માં પ્રવેશ આપવાના ફોર્મ તા.14 માર્ચથી ઓનલાઈન ભરી શકાશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પ્રવેશ કાર્યક્રમ પ્રમાણે તા.26 સુધી આરટીઈ પ્રવેશ માટેની વેબસાઈટ પર વાલીઓ પોતાના ફોર્મ ભરી શકશે.
વડોદરાની સ્કૂલોમાં લગભગ 3500 થી 4000 વિદ્યાર્થીઓને આ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ મળે તેવી શક્યતા છે. સામાન્ય રીતે વડોદરામાં દર વર્ષે 6000 થી 8000 વાલીઓ આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરતા હોય છે.
ગત વર્ષથી ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષ પૂરા થયા હોવા જોઈએ તેવો નિયમ લાગુ પડાયો છે. આ વર્ષે પણ ધો.1માં પ્રવેશ માટે 1 જૂન 2024ના રોજ વિદ્યાર્થીએ 6 વર્ષ પૂરા કરેલા હોય તે જરુરી છે.
વાલીઓએ ફોર્મ ભરતી વખતે જરુરી આધાર પૂરાવા જેમ કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પૂરાવો, જાતિનોદાખલો, આવકનો દાખલો, ઈન્કમટેક્સ રીટર્ન તેમજ ઈનકમ ટેક્સ ના ભરતા હોય તેવા કિસ્સામાં સેલ્ફ ડિકલેરેશન જેવા દસ્તાવેજો વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.