Get The App

વડોદરાના પૂર્વ મેયર ઉમાકાંત જોષીનો દાવો સિવિલ કોર્ટે રદ્દ કર્યો

કર્મચારી હોવા છતાં મંજૂરી વગર જ ચૂંટણી લડી હતી એટલે બેન્કે તેઓને નોકરીમાંથી બરતરફ કર્યા હતા, બેન્કના પગલાંને કોર્ટે યોગ્ય ઠેરવ્યું

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના પૂર્વ મેયર ઉમાકાંત જોષીનો દાવો સિવિલ કોર્ટે રદ્દ કર્યો 1 - image


વડોદરા : ભાજપાના મેન્ડેટ ઉપર ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને મેયર બનેલા ઉમાકાંત જોષી ઉર્ફે ઉપેન્દ્ર શ્યામલાલ જોષીએ વડોદરા સિવિલ કોર્ટમાં સિટી કો.ઓ.બેન્ક સામે કરેલો દાવો રદ્દ કરી દીધો છે. ઉમાકાંત જોષી પોતે બેન્ક કર્મચારી હતા અને બેન્કની મંજૂરી વગર જ ચૂંટણી લડયા હતા જેથી બેન્કે તેઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા.

૨૪ વર્ષ જુના આ કેસની વિગતો એવી છે કે ઉમાકાંત ઉર્ફ ઉપેન્દ્ર જોષી (રહે. પ્રકાશનગર સોસાયટી, હરણીરોડ, વડોદરા) બરોડા સિટી કો.ઓ.બેન્કમાં ફરજ બજાવતા હતા. દરમિયાન તેઓ બીજેપીમાંથી વર્ષ ૧૯૯૨માં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. તે બાદ ૧૯૯૭ અને વર્ષ ૨૦૦૦માં પણ તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા અને વડોદરાના મેયર પણ બન્યા હતા. 

બેન્કિંગ એક્ટ મુજબ બેન્કના કર્મચારીએ ચૂંટણી લડવી હોય તો બેન્કની પરવાનગી લેવી પડે, પરંતુ ઉમાકાંત જોષીએ બેન્કની પરવાનગી વગર જ ત્રણ-ત્રણ ચૂંટણી લડી હતી. આ મામલે સિટી કો.ઓ.બેન્કે ઉમાકાંત જોષી સામે વર્ષ ૨૦૦૦માં કાર્યવાહી કરી હતી અને તેઓને નોકરીમાંથી બરતરફ કર્યા હતા. એટલે ઉમાકાંત જોષીએ બેન્ક સામે વડોદરા સિવિલ કોર્ટમાં દાવો માંડયો હતો કે બેન્કે તેમને ખોટી રીતે બરતરફ કરીને મળવાપાત્ર લાભોથી વંચિત રાખીને અન્યાય કર્યો છે. આ કેસમાં વડોદરા સિવિલ કોર્ટે ૨૪ વર્ષ બાદ બેન્કના પગલાંને યોગ્ય ઠેરવીને પૂર્વ મેયર ઉમાકાંત જોષીનો દાવો રદ્દ કર્યો છે અને નોંધ્યુ છે કે બેન્કના નિયમોનું પાલન કરવા તેઓ (ઉમાકાંત જોષી)અન્ય કર્મચારીઓની જેમ જ બંધાયેલા છે.


Google NewsGoogle News