અનામત બેઠકો અંગે પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ચાન્સેલર સમક્ષ રજૂઆત કરશે
વડોદરાઃ ભાજપ સરકારના પીઠબળના સહારે એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડવાના સત્તાધીશોના નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ પણ આ નિર્ણયની સામે ભારે રોષ વ્યક્ત કરેલો છે.
તાજેતરમાં ટીમ એમએસયુ સાથે સંકળાયેલા સિન્ડિકેટ સભ્યોએ આ નિર્ણયની સામે વાઈસ ચાન્સેલરને પત્ર પણ લખ્યો હતો.હવે તેમણે આ મુદ્દે ચાન્સેલરને પણ રજૂઆત કરવાનુ નક્કી કર્યુ છે.
આજે પૂર્વ સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોની એક અનૌપચારિક બેઠક યોજવામાં આવી હતી.જેમાં પૂર્વ સભ્યોએ ડર વ્યક્ત કર્યો હતો કે, જો વડોદરા શહેરના લોકો વિરોધ નહીં કરે તો યુનિવર્સિટી સત્તાધીશો સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની બેઠકો ઘટાડવાના નિર્ણયમાં પીછેહઠ નહીં જ કરે.
જેના પગલે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, આ મુદ્દે ચાન્સેલર અને રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડને રજૂઆત કરવામાં આવશે.આ ઉપરાંત આંદોલનમાં શક્ય હોય તેટલા વધારે પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને પણ જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના વિદ્યાર્થીઓને થનારા અન્યાય સામે હજી સુધી વડોદરાના ધારાસભ્યોએ કોઈ નિવેદન આપ્યુ નથી ત્યારે આ બેઠકમાં પૂર્વ સભ્યોએ નક્કી કર્યુ હતુ કે, વડોદરાના તમામ ધારાસભ્યો તેમજ સાંસદને પણ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વડોદરાના વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડવાના નિર્ણય સામે છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન શરુ થયેલુ છે પણ યુનિવર્સિટી સત્તાધીશો ટસના મસ થયા નથી.સત્તાધીશો હજી સુધી કોઈ જાતનો નિર્ણય લેવાયો નથી તેવી ગોળ ગોળ વાત કરી રહ્યા છે.