વડોદરામાં રેસકોર્સની સીટી યુનિયન બેન્કના પૂર્વ મેનેજરે ફેક્ટરી માલિકને 1.58 કરોડનો ચૂનો ચોપડયો
image : Freepik
વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર
વડોદરાની સીટી યુનિયન બેન્કના રેસકોર્સ બ્રાન્ચના પૂર્વ મેનેજરે વધુ એક કૌભાંડ આચર્યું હોવાની વિગતો બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે.
રેસકોર્સની સીટી યુનિયન બેન્કના પૂરું મેનેજર ફાનીકુમાર સામે થોડા સમય પહેલા પણ હોદ્દાનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિના બેંક એકાઉન્ટોમાં આડેધડ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
હાલોલ ખાતે ફેક્ટરી ધરાવતા વિજયભાઈ પટેલે (નીલકંઠ ગ્રીન, કલાલી રોડ) પણ ફાનીકુમાર સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે કોવિડ દરમિયાન મેનેજર ફાનીકુમારે મને લોન આપવાનું કહી લોન રદ કરી હતી.
મે તેમના પર ભરોસો રાખીને સહી કરેલા ચેકો આપી રાખ્યા હતા અને તેઓ મારા કહ્યા મુજબ ચેકનો ઉપયોગ કરતા હતા. પરંતુ મારા ખાતામાંથી 1.04 કરોડ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર થતા મેં આ રકમ પરત માગી હતી. મેનેજરે તેની સામે હેવીંગ એન્જિનિયરના ખાતામાંથી મારા ખાતામાં રૂ 2.30 કરોડ જમા કરાવ્યા હતા. જેથી મારા ખાતામાં 1.26 કરોડ વધારાની રકમ આવી હતી.
ત્યારબાદ થોડા જ સમયમાં તેમણે આ રકમ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. દરમિયાનમાં ફાની કુમારની બદલી થતાં બેંકના અધિકારીઓએ મને બોલાવી હેવિંગ એન્જિનિયરના ખાતામાં 1.58 કરોડ ભરાવડાવ્યા હતા. આમ મારા ચેકનો દુરુપયોગ કરી મેનેજરે મને 1.58 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. ગોરવા પોલીસે ફાનીકુમાર તેમજ અન્ય ત્રણ સામે ગુનો નોંધ્યો છે.