સિટ દ્વારા તૈયાર થનારી ગેંગરેપ કેસની ચાર્જશીટમાં ખામીઓ ના રહે તે માટે કમિટિ
બે ડીવાયએસપી અને એક કાયદા અધિકારી ચાર્જશીટ પર નજર રાખશે ઃ પુરાવા ઝડપથી ભેગા કરાશે
વડોદરા, તા.10 ભાયલી ગામની સીમમાં અવાવરુ જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી ૧૬ વર્ષની વિદ્યાર્થિની પર ગેંગરેપ કરનાર ત્રણ નરાધમો સહિત પાંચની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ રિમાન્ડ પર છે. પોલીસ તપાસની સાથે સાથે ચાર્જશીટની પણ તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના ચકચારજનક આ ગેંગરેપ કેસમાં દાખલો બેસે તેવી સજા થાય તે માટે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ડીએસપીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સિટ દ્વારા સમગ્ર કેસનું ડે ટુ ડે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આવતા સપ્તાહમાં જ ચાર્જશીટ તૈયાર કરી પાંચેય નરાધમો સામે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવે તેવી તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
પોલીસની વિવિધ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વિવિધ સરકારી વિભાગો સાથે સંલગ્ન કરી પુરાવાના કાગળો ઝડપથી મળે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તપાસ અધિકારી તેમજ સિટ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવે તેના પર પણ નજર રાખવા માટે એક કમિટિ બનાવવામાં આવી છે જે ચાર્જશીટમાં કોઇ ત્રુટી રહી ગઇ છે કે નહી તેના પર નજર રાખી જરૃરી સૂચનો કરશે. આ કમિટિમાં બે ડીવાયએસપી તેમજ એક કાયદા અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કમિટિ દ્વારા કોઇ મુદ્દા ઉમેરવા હોય તો તે અંગે સીટનું ધ્યાન દોરશે. આ સાથે જ ચાર્જશીટ રિવ્યૂ કરવામાં આવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાશે.