બાવળનું ઝાડ દૂર કરવા ફોરેસ્ટરે 50 હજાર માંગ્યા : 15 હજાર લેતા વચેટિયો પકડાયો

Updated: Nov 29th, 2022


Google NewsGoogle News
બાવળનું ઝાડ દૂર કરવા ફોરેસ્ટરે 50 હજાર માંગ્યા :  15 હજાર લેતા વચેટિયો પકડાયો 1 - image


કલોલના નારદીપુરમાં ફેક્ટરી માલિક પાસે

લાંચની રકમ નહીં આપવા માંગતા ગાંધીનગર એસીબીને ફરિયાદ કરવામાં આવી ઃ ફોરેસ્ટર ફરાર હોવાથી શોધખોળ

ગાંધીનગર :  સરકારી કચેરીઓમાં લાંચની પ્રવૃત્તી વધી છે ત્યારે કલોલમાં નારદીપુર ખાતે ફેક્ટરીની જગ્યામાં નડતરરૃપ બાવળનું ઝાડ દૂર કરવા માટે ફોરેસ્ટરે ૫૦ હજાર માંગ્યા હતા અને ૨૦ હજારમાં ડીલ નક્કી થઇ હતી ત્યારે આ મામલે ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરવામાં આવત છટકું ગોઠવીને શહેરના ઘ-પાંચ સર્કલ પાસેથી વચેટિયાને ૧૫ હજાર રૃપિયાની લાંચ લેતા ઝડપી પાડયો હતો. આ મામલે ગુનો દાખલ કરીને ફરાર ફોરેસ્ટરની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કલોલ તાલુકાના નારદીપુર ખાતે આવેલી ફેક્ટરીમાં દસ વિઘા જગ્યામાં બાવળના ઝાડ આવેલા છે. ફોરેસ્ટની જગ્યામાં બાવળના ઝાડ હોવાથી ફેક્ટરી માલિકને તે નડી રહ્યા હતા અને આ ઝાડ દૂર કરવા માટે મજુરી કામ કરતા સુનિલ રસિકભાઇ દંતાણીને જાણ કરી હતી જો કે, તેણે  આ માટે કલોલ નારદીપુરની નર્સરીમાં બેસતા ફોરેસ્ટર વિકાસ ચૌધરીનો સંપર્ક કરવા કહ્યું હતું જેના પગલે ફેક્ટરી માલિક ફોરેસ્ટર વિકાસ ચૌધરીને મળ્યા હતા અને બાવળના ઝાડ દૂર કરવાની રજુઆત કરતા ૫૦ હજારની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે ફેક્ટરી માલિક ૨૦ હજાર રૃપિયા આપવા તૈયાર થયા હતા. પાંચ હજાર રૃપિયા સુનિલને એડવાન્સ આપી દીધા હતા ત્યારે ૧૫ હજાર રૃપિયા આપ્યા બાદ જ કામ પુરુ કરવાનુ નક્કી થયું હતું જો કે, ફેક્ટરી માલિક રૃપિયા આપવા માટે તૈયાર નહીં હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો જેના પગલે મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવીઝન હેઠળ એસીબી પીઆઇ એચ.બી.ચાવડાએ છટકું ગોઠવ્યું હતું જેમાં ફોરેસ્ટર વિકાસ ચૌધરીના કહેવાથી સુનિલ દંતાણી ૧૫ હજાર રૃપિયાની લાંચ લેતા ઘ-પાંચ સર્કલ પાસે રંગહાથ ઝડપાયો હતો. રૃપિયા મળ્યાં બાદ તેણે ફોરેસ્ટરને ફોન પણ કર્યો હતો. હાલ તો એસીબીએ સુનિલની અટકાયત કરીને ફોરેસ્ટરની શોધખોળ શરૃ કરી છે.


Google NewsGoogle News