વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દીપડાની ફરી એન્ટ્રીઃભાદરવા અને બીજા ગામોમાં ફોરેસ્ટની ટીમોનું સર્ચ
વડોદરાઃ વડોદરા નજીક સાવલી તાલુકામાં ફરી એક વાર દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ગભરાટની લાગણી વ્યાપી છે.જેથી ફોરેસ્ટ વિભાગની ટીમો સક્રિય થઇ છે.
વડોદરા જિલ્લામાં ડભોઇ,વાઘોડિયા, શિનોર,કરજણ અને વડોદરા તાલુકા જેવા વિસ્તારોમાં દીપડાનો પડાવ હોવાના પુરાવા મળ્યા બાદ સાવલી તાલુકામાં લાંબા સમય બાદ દીપડાની હાજરી દેખાઇ છે.
એક વર્ષ પહેલાં સાવલીના ધનતેજ ગામના એક ખેતરમાંથી દીપડાનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિંજલબેન જોષીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરમિયાનમાં સાવલીના ભાદરવા,નટવર નગર,વાંકાનેર જેવા વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની વિગતો મળતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે કાર્યવાહી કરાઇ છે.દીપડાના વાયરલ થયેલા વીડિયોને તેમજ અન્ય સોર્સને આધારે ફોરેસ્ટની ટીમો પુરાવા એકત્રિત કરી રહી છે તેમજ ભાદરવા ગામે એક પાંજરું પણ મુકવામાં આવ્યું છે.