ગુજરાત રિફાઇનરીની આગના બનાવનું કારણ જાણવા ફોરેન્સિકની ટીમ પહોંચી
વડોદરાઃ ગુજરાત રિફાઇનરીની આગના ે બનાવ કેવી રીતે બન્યો તેનું નક્કર કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
કોયલી ખાતેની રિફાઇનરીમાં બે દિવસ પહેલાં પ્રચંડ બ્લાસ્ટ સાથે એક લાખ લીટર કેપિસિટી ધરાવતી બેન્ઝિન ટેન્કમાં આગ લાગતાં આસપાસના ગ્રામજનો અને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પાંચ કલાક બાદ ફરીથી બીજી ટેન્કમાં બ્લાસ્ટ સાથે આગ લાગતાં આગ કાબૂમાં લેતાં નાકે દમ આવી ગયો હતો.
ઉપરોક્ત સ્થળે ૨૬૭ ટેન્કો આવેલી હોવાથી ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં મુકાઇ ગયા હતા.રિફાઇનરીમાંથી ૬ હજારથી વધુ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.આ બનાવમાં કોન્ટ્રાક્ટના બે કર્મચારીના મોત નીપજ્યાં હતા.
જો કે ૧૨ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવતાં તંત્રએ રાહત અનુભવી હતી. આ પ્રકારનો બનાવ ફરીથી ના બને અને સુરક્ષાના ક્યા પગલાં લેવા તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.આજે ટીમે સ્થળ તપાસ કરી હતી.આવતી કાલે જવાહરનગર પોલીસને સાથે રાખી જુદાજુદા સેમ્પલો લેવામાં આવશે.