પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ
Gujarat Rain updates | વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઊભા રહેલા જોવા મળી રહ્યાં છે. પાણી વચ્ચેથી બુલડોઝર પર ઊભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે.
એવું કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતું. તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેંકડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.
એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. 6 જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વીડિયો ઉતારી લીધો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પણ જેતલપુર રોડનો હોવાનું જાણવા મળ્યું છે.