આજવારોડ પર વિદેશી યુવાનનો ત્રણ પોલીસ સહિત ચાર પર હુમલો
કન્સ્ટ્રક્શન સાઇટના મેનેજરને મારતા મારતા ચોથા માળેથી નીચે લાવ્યો ઃ વિદેશી યુવાન સામે બે ફરિયાદ
વડોદરા, તા.13 શહેર નજીક આજવારોડ પર ડવડેક ફ્લેટમાં ભાડેથી રહેતા એક વિદેશી યુવાને કન્સ્ટ્રક્શન સાઇટના મેનેજર પર હુમલો કરી ચોથા માળેથી મારતા મારતા નીચે લાવ્યા બાદ જબરજસ્તીથી ગુગલ પેથી રૃા.૧૪ હજાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ વખતે પોલીસ આવી જતા વિદેશી યુવાને પોલીસ પર પણ હુમલો કરી ત્રણ પોલીસમેનને ફટકાર્યા હતાં.
હાલોલમાં રહેતા રમેશ નંદલાલ અગ્રવાલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડવડેક સાઇટ પર મેનેજર તરીકે નોકરી કરું છું. આજે બપોરે હું મારી ઓફિસમાં હતો ત્યારે ફ્લેટમાં ભાડેથી રહેતો વોશિંગટન ટકુરા મુઝાવઇરે (રહે.મૂળ હરારે, ઝિમ્બાબ્વે) આવ્યો હતો અને અંગ્રેજી ભાષામાં આકાશ તિવારી ક્યાં છે તેમ પૂછતાં મેં અહી ઓફિસમાં નથી તેમ કહ્યું હતું ત્યારે વિદેશી યુવાને મારે આકાશ પાસેથી ભાડૂઆતની ડિપોઝિટ લેવાની છે તેમ કહ્યા બાદ તે જતો રહ્યો હતો.
થોડા સમય બાદ હું ચોથા માળે સંધ્યાબેન તિવારીના ફ્લેટમાં ગયો ત્યારે અચાનક વિદેશી વિદ્યાર્થીએ આવીને ફ્લેટમાં આકાશની શોધખોળ શરૃ કરી હતી જેથી મેં તેને ઘરમાં એકલી સ્ત્રી છે તું બહાર નીકળ તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારી ફેંટ પકડી લિફ્ટ તરફ ખેંચી જઇ કપડાં ફાડી નાંખ્યા હતા અને મારતો મારતો લિફ્ટમાં નીચે ઓફિસમાં લઇ જઇ મારા મોબાઇલમાંથી જબરજસ્તી રૃા.૧૪ હજાર તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
ઉપરોક્ત ઘટનાને પગલે પોલીસ કંટ્રોલરૃમને ફોન કરતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ વખતે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ મયુરસિંહ પ્રવિણસિંહ, કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ તેમજ રમેશભાઇને પણ થપ્પડ અને લાતો મારી હતી. આ અંગે પણ પોલીસે પણ વિદેશી યુવાન સામે ગુનો નોંધ્યો હતો.