એલપીજી ટેન્કરમાં ભરીને લઇ જવાતો ૫૦ લાખનો વિદેશી દારૃ પકડાયો
ટેન્કર એક્સપર્ટ અને ટેન્ક મિકેનિકને બોલાવી ટેન્ક ખાલી હોવાનું નક્કી થયા પછી પોલીસે ટેન્ક ખોલી
વડોદરા,એલપીજી ટેન્કરમાં હરિયાણાથી વિદેશી દારૃ ભરીને ચોટીલા જતા ટેન્કરને પીસીબી પોલીસે દુમાડ ચોકડી પાસે ઝડપી લીધું હતું. પોલીસે ૫૦.૦૬ લાખનો વિદેશી દારૃ મળીને કુલ રૃપિયા ૬૦.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
થર્ટી ફર્સ્ટના કારણે રાજ્યમાં બૂટલેગરો સક્રિય થયા છે. રાજ્ય બહારથી મંગાવાતો બે કરોડ ઉપરાંતનો દારૃ પીસીબીએ તાજેતરમાં ઝડપી પાડયો છે. દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એલ.પી.જી.ટેન્કરમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને દુમાડ ચોકડીથી પસાર થવાનું છે. જેથી, પીસીબી પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન ેતે ટેન્કર આવતા પોલીસે તેને ઉભું રાખ્યું હતું. ટેન્કર એલ.પી.જી.નું હોવાથી પોલીસે ફરીથી બાતમીદારનો સંપર્ક કરીને માહિતી વેરિફાઇ કરી હતી. ત્યારબાદ ટેન્કર એક્સપર્ટ અને ટેન્ક મિકેનિકને બોલાવ્યા હતા. તેઓએ તપાસ કરતા ટેન્કરમાં ગેસ નહીં હોવાનું કન્ફર્મ થતા છેવટે પોલીસે ટેન્ક ખોલીને ચેક કરતા તેમાંથી વિદેશી દારૃની ૧,૦૪૩ બોટલ કિંમત રૃપિયા ૫૦.૦૬ લાખની મળી આવી હતી. પોલીસે ટેન્કરના ડ્રાઇવર મેઘારામ ધર્મારામ જાટ ( રહે.લકડાસર ગામ, તા.સેડવા, જિ.બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૃ હરિયાણાથી ભરીને સુરેન્દ્રનગરના ચોટીલા તરફ લઇ જવાતો હતો. પોલીસે દારૃ ભરનાર, મંગાવનાર તથા ટેન્કર માલિકની શોધખોળ શરૃ કરી છે. આરોપી સામે અગાઉ હરણીમાં બે, છાણી અને મકરપુરામાં એક એક ગુના દાખલ થયા છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૫ દિવસમાં પોલીસે દોઢ કરોડનો વિદેશી દારૃ માત્ર પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.