મકરંદ દેસાઇ રોડ ન્યૂ સમર્પણ બંગ્લોમાંથી ૫.૬૧ લાખનો વિદેશી દારૃ પકડાયો
એક મહિનામાં પીસીબી દ્વારા ૧.૬૨ કરોડનો દારૃ કબજે કરવામાં આવ્યો
વડોદરા,મકરંદ દેસાઇ રોડ પર ન્યૂ સમર્પણ બંગ્લોના એક મકાનમાંથી પીસીબી પોલીસે ઓઇલની ડોલમાં સંતાડેલો ૫.૬૧ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૃ સાથે એક આરોપીને પકડી લીધો છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, મકરંદ દેસાઇ રોડ પર સમર્પણ બંગ્લોનું એક મકાન રિકેશ શુકલાએ ભાડે રાખ્યું છે. અને તે મકાનમાં વિદેશી દારૃનો જથ્થો ભરી રાખીને વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.ઔઆઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. આરોપીએ લુબ્રિકેન્ટ ઓઇલની ડોલમાં સંતાડી રાખેલી વિદેશી દારૃની ૧,૪૦૪ બોટલ કિંમત રૃપિયા ૫.૬૧ લાખની કબજે કરી હતી. પોલીસે આરોપી રિતેશ ઉર્ફે વિક્કો દાંતરો રાજેશભાઇ શુકલા ( મૂળ રહે. ગણેશ નગર, નવજીવન, આજવા રોડ, હાલ રહે. ન્યૂ સમર્પણ બંગલો)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૃ, ચાર મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની ૫૨૦ ડોલ મળી કુલ રૃપિયા ૫.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને દારૃ સપ્લાય કરનાર શંકર મોરેને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી રિતેશ સામે અગાઉ રાવપુરા, બાપોદ અને ગોરવામાં મળીને કુલ સાત ગુનાઓ દાખલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શહેરમાં ઠલવાતા દારૃને પકડવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીસીબીએ એક મહિનામાં ૧.૬૨ કરોડનો વિદેશી દારૃ તેમજ, મોબાઇલ, વાહનો મળી કુલ રૃપિયા ૨.૦૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.