આજોડ ગામમાં લઇ જવાતો ૩.૨૬ લાખનો વિદેશી દારૃ પકડાયો
પરચુરણ સામાનના ૨૭૪ પાર્સલની આડમાં દારૃ લઇ જતા ત્રણ ઝડપાયા
વડોદરા,આજોડ ગામમાં પરચુરણ સામાનના પાર્સલની આડમાં લઇ જવાતો ૩.૨૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર મંજુસર પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મંજુસર પોલીસને માહિતી મળી હતી કે, એક કન્ટેનર વિદેશી દારૃ ભરીને જી.એસ.એફ.સી. તરફથી આવી ઓમકારપુરા, સોખડા થઇ આજોડ ગામ તરફ જવાનું છે. તેનું પાયલોટિંગ સ્કૂટર સવાર બે આરોપીઓ કરી રહ્યા છે. જેથી, પોલીસે સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. અને સોખડા ગામની સીમમાંથી ઉપરોક્ત કન્ટેનર ઝડપી પાડયું હતું. પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૃની ૧,૬૫૬ બોટલ કિંમત રૃપિયા ૩.૨૬ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, કન્ટેનર, મોપેડ તથા પરચુરણ સામાનના ૨૭૪ પાર્સલ કિંમત રૃપિયા ૧૫.૬૭ લાખ મળી કુલ રૃપિયા ૨૯.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે (૧) મોહિતકુમાર શેરસીંગ બિશ્નોઇ ( રહે. કલીરાવણ, તા. અગરવામોડ, જિ.હિસ્સાર, હરિયાણા) (૨) સુનિલ રાજકુમાર બામણ ( રહે. ખરખડા, તા.બાંસ,જિ.હિસ્સાર, હરિયાણા) તથા (૩) દિપક તખતસિંહ ચાવડા ( રહે. સાંકરદા, પરબડીવાળું ફળિયું, તા.વડોદરા)ને ઝડપી પાડયા હતા. જ્યારે આજોડ ગામના ચિરાગસિંહ ફતેસિંહ રાઠોડ, મનદીપ જાટ તથા દારૃ મોકલનાર હરિયાણાના રાજુભાઇને વોન્ટેડ જાહેર કર્યા છે.