Get The App

કોર્પોરેશને પ્રથમવાર ત્રણ ટીપીમાં પાર્કિંગ અને અર્બન ફોરેસ્ટ માટે જગ્યા અનામત રાખી

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશને પ્રથમવાર ત્રણ ટીપીમાં પાર્કિંગ અને અર્બન ફોરેસ્ટ માટે જગ્યા અનામત રાખી 1 - image


વાવોલ,કોલવડા,ઉવારસદ અને પેથાપુરના ૪૮૩ હેક્ટર વિસ્તારનો વિકાસ થશે

ત્રણ ડ્રાફ્ટ ટીપીમાં ખેડૂતો અને જમીન માલિકોના વાંધા સૂચનોનો નિકાલ કરાયા બાદ કોર્પોરેશને મંજૂરી અર્થે સરકારમાં મોકલી આપ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના વાવોલ,કોલવડા,ઉવારસદ અને પેથાપુરના ૪૮૩ હેક્ટર વિસ્તારને આવરી લેતી ત્રણ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં પ્રથમવાર પાર્કિંગ અને અર્બન ફોરેસ્ટ માટે જગ્યા અનામત રાખવામાં આવી છે. ખેડૂતો અને જમીન માલિકોના વાંધા સૂચનોનો નિકાલ કરાયા બાદ કોર્પોરેશને મંજૂરી માટે સરકારમાં મોકલી આપી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ થઈ ગયા બાદ આસપાસનો ગ્રામ્ય વિસ્તાર પણ હવે ભળી ગયો છે ત્યારે અહીં પણ શહેર જેવો વિકાસ થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વાવોલ કોલવડાને આવરી લેતી ટીપી સ્કીમ નં. ૩૪, વાવોલ અને ઉવારસદના વિસ્તારમાં ટીપી સ્કીમ નં. ૩૫ તેમજ પેથાપુરના વિસ્તારની ટીપી સ્કીમ નં. ૪૧નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખેડૂતો અને જમીન માલિકોના વાંધા સૂચનો મેળવવામાં આવ્યા હતા અને તેનો નિકાલ કર્યા બાદ આ ડ્રાફ્ટ ટીપી મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. આ નવી ત્રણ ટીપી સ્કીમને કારણે વાવોલ, કોલવડા,ઉવારસદ અને પેથાપુરના કુલ ૪૮૩ હેક્ટર વિસ્તારમાં વિકાસ થશે અને અહીં રોડ રસ્તા પાણી ગટર સહિતની સુવિધાઓ આગામી સમયમાં ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના નવા નિયમ પ્રમાણે પ્રથમવાર આ ત્રણેય ટીપી સ્કીમમાં પાર્કિંગ અને અર્બન ફોરેસ્ટ માટે જગ્યા અનામત રાખવામાં આવી છે. જેમાં પાર્કિંગ માટે કુલ ૧૯,૦૩૨ ચોરસ મીટર અને અર્બન ફોરેસ્ટ માટે ૨૨,૩૫૭ ચોરસ મીટર જગ્યા અનામત રાખવામાં આવી છે. એટલું જ નહીં આ ત્રણેય ટીપી સ્કીમોમાં આથક નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવા માટે કુલ ૭૭,૮૮૦ ચોરસમીટર જમીન અનામત રાખવામાં આવી છે. જે મુજબ ટીપી- ૩૪માં ૩૭, ૬૦૪ ચોમી, ટીપી- ૩૫માં ૨૦,૩૪૧ ચોમી અને ટીપી- ૪૧માં ૧૯૯૩૫ ચોમી જમીન આવાસ યોજના માટે મળશે. જ્યારે ૯૪,૩૭૯ વિસ્તારમાં બગીચા બનાવવામાં આવશે. હવે સરકારમાંથી મંજૂરી મળતાની સાથે જ આ વિસ્તારમાં રોડ ખોલવાની કામગીરી કોર્પોરેશન તંત્ર દ્વારા શરૃ કરવામાં આવશે. 


Google NewsGoogle News