કોર્પોરેશનમાં પ્રથમવાર સાત સમિતિના ચેરમેનની પણ નિમણૂંક કરાશે

Updated: May 26th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનમાં પ્રથમવાર સાત સમિતિના ચેરમેનની પણ નિમણૂંક કરાશે 1 - image


મહિલા મેયર અને પદાધિકારીઓની નિમણૂક થઈ ગયા બાદ

ઓફિસ અને કાર પણ આપવામાં આવશે : હવે ભાજપમાં સમિતિના ચેરમેન બનવા માટે પણ કોર્પોરેટરોમાં દોડધામ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની બીજી ટર્મમાં હવે મહિલા મેયરની સાથે પદાધિકારીઓની વરણી કરવાની છે ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પ્રથમ વાર સાત સમિતિના ચેરમેનની પણ નિમણૂક કરવામાં આવનાર છે. આ માટે હાલ ભાજપના કોર્પોરેટરો પણ સમિતિના ચેરમેન બનવા માટે મથામણ કરી રહ્યા છે કેમકે ઓફિસ અને કાર સહિતની સુવિધા ચેરમેનોને મળવાની છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૧માં રચના કરવામાં આવી હતી અને તે સમયે ફક્ત સ્થાયી સમિતિ બનાવવામાં આવી હતી. કોર્પોરેશન પાસે અન્ય કોઈ મહત્વની સત્તાઓ નહીં હોવાથી અલગ અલગ સમિતિઓ બનાવવાનું ટાળવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા સીમાંકન સાથે કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ છે. જેમાં હાલ ૪૪માંથી ૪૧ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે અને છેલ્લા ઘણા સમયથી કોર્પોરેટરોમાં સમિતિઓ બનાવવા માટે માંગણી કરી રહ્યા હતા. ત્યારે હમણાં જ પૂર્ણ થઈ ગયેલી ટર્મમાં સ્થાયી સમિતિ અને ત્યાર બાદ સામાન્ય સભામાં આ સમિતિઓની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હતી.

 જોકે થોડાક જ મહિનાઓનો સમય બાકી હોવાથી કોર્પોરેટરો પણ સમિતિના ચેરમેન બનવા માટે ઉત્સુક ન હતા તેના પગલે ગત ટર્મમાં ચેરમેન બનાવવામાં આવ્યા ન હતા પરંતુ હવે ૧૦ જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવનાર છે ત્યારે આ નવી ટર્મમાં સાત સમિતિઓના ચેરમેન પણ બનાવવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં કોર્પોરેશનમાં હાલ સાત સમિતિના ચેરમેન માટે ઓફિસ પણ નક્કી કરી દેવામાં આવી છે અને નવી સાત જેટલી કાર ખરીદવાનો પણ નિર્ણય લઈ લેવા આવ્યો છે. જેથી ત્રણ મહત્વના પદ નહીં મેળવી શકનાર કોર્પોરેટરોની નજર સમિતિઓ ઉપર છે ત્યારે ભાજપમાં હાલ કોર્પોરેટરો સમિતિના ચેરમેન બનવા માટે પણ પોત પોતાની તાકાત લગાવી રહ્યા છે.


Google NewsGoogle News