Get The App

સે-24માં લગ્નના જમણવાર બાદ ફુડ પોઇઝનીંગઃ100થી વધુને અસર

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સે-24માં લગ્નના જમણવાર બાદ ફુડ પોઇઝનીંગઃ100થી વધુને અસર 1 - image


જમણવાર બાદ મોડી રાત્રે અસર શરૃ થતા દોડધામ મચી ગઇ

પનીરનું શાક અને ગાજરનો હલવો ખાધા બાદ મહેમાનોને ઝાડા ઉલ્ટીઃગુરુવારે રાત્રે સિવિલ ઉભરાઇઃસવારે હેલ્થની ટીમના ધામા

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૪માં લગ્ન પ્રસંગના જમણવાર બાદ મહેમાનોને ફુડપોઇઝનીંગનો સિલસિલો શરૃ થયો હતો. ગુરુવારે રાત્રે એક પછી એક સો જેટલા ઝાડા ઉલ્ટીના દર્દીઓથી ગાંધીનગર સિવિલ ઉભરાઇ હતી. જેમાંથી મોટાભાગનાને ઓપીડી સારવાર આપવામાં આવી હતી જ્યારે પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા લગ્નના મંડપમાં જ ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે સેકટર-૨૪ ખાતે લગ્ન પ્રસગમાં ભોજન લીધા બાદ આશરે ૯૮ જેટલા મહેમાનોને પેટમા દુઃખાવા અને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી આ દરમ્યાન અંદાજીત ૪૦ વ્યક્તિઓને મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્યને ઓપીડી બેઝ સારવાર આપીને પરત ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ બાબતે જાણ થતા ગાંધીનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામી તથા તબીબી અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને લગ્ન મંડપમાં જ આપીડી શરૃ કરીને ઘરના તથા મહેમાનોની સારવાર શરૃ કરી દીધી હતી. આ દરમ્યાન ૫૮ અસરગ્રસ્તોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તેમજ ૧૫ દર્દીઓને સેકટર-૨૪ નાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. હાલમા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર, સેકટર-૨૪ ખાતે સારવાર લીધેલ તમામ દર્દીઓની તબિયત માં સુધારા પર હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે ત્યારે વરપક્ષ અને કન્યાપક્ષ બન્ને સેક્ટર-૨૪ના જ હોવાને કારણે અહીં મહેમાનોનું લીસ્ટ બનાવવાની સાથે સે-૨૪માં પાંચ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જે દરમયાન ટીમો દ્વારા ઓઆરએસ પેકેટનું વિતરણ, ક્લોરીન ટેબલેટ, પાણીનું કલોરિનેશન અને સ્થળ પર દવાનાં વિતરણની કામગીરી કરવામા આવી રહી છે. આરોગ્ય તંત્રએ વધુ તપાસ માટે દર્દીના સેમ્પલ પણ પરિક્ષણ માટે લીધા છે .

પાંચ ટીમો દ્વારાં ભોજન લેનાર મહેમાનોનો સર્વે હાથ ધરાર્યો

ગાંધીનગરના સેક્ટર-૨૪માં ફુડપોઇઝનીંગ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ થતા એમઓએચ ડો. કલ્પેશ ગોસ્વામી, આરસીએચઓ ડો. હર્ષદ રાઠોડ , સીટીઓ ડો. હરેશ પટેલ  તથા એપિડેમિલોજિસ્ટ ડો. હેમા જોષી, મધ્યઝોનના ડીવાયએચઓ ડો. વિષ્ણુ ભાટા, સે-૨૪ના મેડિકલઓફિસર ડો. દશલ પારેખ દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઇને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ ટીમો બનાવીને તેમના દ્વારા સેક્ટર-૨૪માં અસરગ્રસ્તોનો સર્વે તથા સેમ્પલીંગની કામગીરી શરૃ કરવામાં આવી છે. જે દરમ્યાન ઓઆરએસના પેકેટનું વિતરણ અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા જળવાય રહે તે માટે ક્લોરીનની ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સર્વેમાં કોઇ દર્દી મળી આળે તો તેમને હેલ્થ સેન્ટરમાં મોકલીને સારવાર અપાવડાવવામાં આળે છે.

જમવાનું નહીં વધતા ફુડ તંત્રને સેમ્પલ લેવાનો મોકો મળ્યો નહીં

ગાંધીનગર સેક્ટર-૨૪માં લગ્ન પ્રસંગના જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર સોથી પણ વધુ મહેમાનોને થઇ હતી. આ ફુડપોઇઝનીંગ કઇ રીતે થયું તેનું સાચુ અને ઠોસ કારણ શોધવા માટે સામાન્યરીતે જે તે ભોજનનું સેમ્પલીંગ કરીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે પરંતુ સેક્ટર-૨૪માં ૪૦૦ વ્યક્તિના જમણવાર બાદ થયેલા ફુડપોઇઝનીંગમાં સેમ્પલીંગ લઇ શકાય તેટલું ભોજન કે જમવાનું વધ્યું ન હતું. જેના કારણે ફુડ તંત્રએ કોઇ સેમ્પલ લીધા નથી.આ જમણવારમાં પનીરનું શાક અને ગાજરનો હલવા પિરસવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News